મઝહબ અને મા-બાપ ખુદાની દેન છે. : ડૉ. મહેબૂબ દેસાઈ

એ દિવસે લગભગ છ વાગ્યે ઓફિસમાંથી ઘરે જવા હું પગથીયા ઉતરી રહ્યો હતો, અને એક ૩૦-૪૦ વર્ષની વ્યક્તિએ મારી સામે આવી મને પૂછ્યું,
“આપ મહેબૂબ દેસાઈ છો ?”
“હા” મે ટૂંકો જવાબ આપ્યો.
“હું આપની સાથે થોડી વાત કરવા માંગું છું. કરી શકું ?”
“ચોક્કસ”
એટલું કહી, ઓફીસ બંધ થઇ હોય હું તેમને મારી કાર સુધી દોરી ગયો. ચાલતા ચાલતા તેમણે મને પોતાનો પરિચય આપતા કહ્યું,
“મારું નામ માહિર છે. હું બી.કોમ. છું. શેર બજારમાં શેર લે વેચનું કામ કરું છું. કેટલાક સમયથી મને ધર્મ પરિવર્તન કરવાના અજીબ વિચારો આવે છે. અને હું બેબાકળો બની જાઉં છું. આપના સર્વધર્મ સમભાવના સંતુલિત વિચારો મે વાંચ્યા છે. તેનાથી હું પ્રભાવિત થયો છું. એટલે આ અંગે આપનું માર્ગદર્શન લેવા આવ્યો છું.”
હું એક નજરે એ યુવાનને જોઈ રહ્યો. પેન્ટ, ઇન શર્ટ,બુટ, કમર પર બેલ્ટ, આંખો પર ગોલ્ડન ફેમના ચશ્માં. અને ચહેરા પર પ્રસરેલી મુંઝવણ જોઈ મે તેમને મારી કારમાં બેસાડ્યા અને પછી પૂછ્યું,
“આવા વિચારો ક્યારથી આવે છે ? અને કયારે આવે છે ?”
“એ તો મને ખબર નથી. પણ આવા વિચારો મારું સુખ ચેન હણી લે છે અને મને બેચેન કરી મુકે છે. મારે શું કરવું જોઈએ તેની મને કશી સમજ પડતી નથી.”
“માહીરભાઈ, મઝહબ અને મા-બાપ માનવીને ખુદાની દેન છે. તેને બદલવા એ ઈશ્વરની આજ્ઞાનું ઉલંઘન કરવા સમાન છે”
માહિરભાઈ એક ધ્યાને મારી વાત સાંભળી રહ્યા હતા. એટલે મે મારી વાતને જરા વિસ્તારથી સમજાવતા કહ્યું,
“ઈશ્વર કે ખુદાએ બે બાબતો પોતાની પાસે રાખી છે. પ્રથમ, માનવી દુનિયામાં આવે છે ત્યારે ખુદા-ઈશ્વર તેને એક નિશ્ચિત ધર્મ કે મઝહબમા જ જન્મ આપે છે. તેની પસંદગી માત્રને માત્ર ખુદા કરે છે. તે માનવીના બસની વાત નથી. બીજું, મઝહબ જેમ જ મા-બાપ પણ ઈશ્વર-ખુદા જ માનવીને આપે છે. તેમાં માનવીની પસંદ, નાપસંદ કે ઈચ્છાને કોઈ સ્થાન નથી. ખુદા કે ઈશ્વરના આ બે આદેશોનું આજીવન પાલન કરવાની માનવીની પવિત્ર ફરજ છે. તેની અવગણના ઈશ્વરની આજ્ઞાનું ઉલંઘન કરવા સમાન છે.”
“પણ મને કયારેક મારા ધર્મ સિવાય અન્યનો ધર્મ શ્રેષ્ઠ લાગે છે. અને ત્યારે હું દુઃખી થઇ જાઉં છું.”
“માહિરભાઈ, આ દુનિયાના તમામ ધર્મો ઉત્તમ છે, શ્રેષ્ટ છે. દરેક ધર્મો માનવતા અને નૈતિકતાના પ્રખર હિમાયતી છે. પણ આપણી સમસ્યા એ છે કે આપણે આપણા ધર્મની શ્રેષ્ટતા કે સારપને સમજવા કે પામવા જુજ પ્રયાસ કરીએ છીએ. અને એટલે જ જરૂરી છે આપણા જન્મદત્ત ધર્મના શાંત અને એકચિત્તે અભ્યાસ અને અમલની. કારણ કે આપ જે ધર્મમાં જન્મ્યા છો તે ધર્મ પણ દુનિયાનો શ્રેષ્ઠ અને ઉત્તમ ધર્મ જ છે.”
“પણ કયારેક મારા મન પર શૈતાન સવાર થઇ જાય છે. મને મારા કરતા અન્યની વસ્તુ કે ધર્મ શ્રેષ્ટ લાગવા માંડે છે. અને ત્યારે ધર્મ પરિવર્તન જેવા વિચારો મારા મનનો કબજો લઇ લે છે.”
માહિરભાઈ ધીમે ધીમે તેમના હદયના દ્વાર મારી સમક્ષ ખોલી રહ્યા હતા. તેમની સમસ્યા મારી સાથે નિખાલસ ભાવે ચર્ચી રહ્યા હતા. એટલે તેમના પ્રશ્નોનોનો મારી સમજ મુજબ જવાબ આપવાની મારી ફરજ હતી. મે કહ્યું,
“માહિરભાઈ, કુમાર્ગે દોરનાર શૈતાન તો દરેક ધર્મ અને સમાજમાં હોય છે. અને દરેક ધર્મ તેનાથી બચવા માનવીને ઈબાદત કે ભક્તિની હિદાયત (ઉપદેશ) આપે છે. અલબત્ત ઈબાદત કે ભક્તિના માર્ગો દરેક ધર્મમાં જુદા જુદા છે. પણ તેનો મકસદ શૈતાનથી દૂર રહેવાનો અને ખુદા કે ઈશ્વરની નજીક પહોંચવાનો છે. જયારે પણ શૈતાન આપના મન-હદયનો કબજો લઇ લે કે લેવાનો પ્રયાસ કરે ત્યારે તમે જે ઇષ્ટ દેવને માનતા હો તેનું સ્મરણ કરવા માંડો. હઝરત મહંમદ પયગમ્બર સાહબે ફરમાવ્યું છે,
“સમગ્ર વિશ્વનો માનવ સમાજ એક ઉન્ન્મત (કોમ) છે. અને ઈશ્વર-ખુદા તેના સર્જનહાર”. કુરાને શરીફમાં કહ્યું છે,
“મે (ખુદાએ) દરેક સમાજ માટે એક રાહબર મોકલ્યો છે.”
સૂફી સંતો હઝરત શેખ નિઝામુદ્દીન, બાબા ફરીરુદ્દીન ગંજશકર, ખ્વાજા અજમેરી વગેરેએ પણ કહ્યું છે.
“હર કૌમ રાસ્ત દિન, રસ્મે વ કિબલાગાહે”
અર્થાત દરેક કોમને પોતાનો એક ધર્મ હોય છે, રિવાજો અને પૂજા કરવાનું સ્થાન હોય છે.
એ નાતે તમારા ઇષ્ટ દેવની તસ્બીહ અર્થાત માળા કરવા માંડો. મને ખાતરી છે કે તમારા ઇષ્ટ દેવનું સ્મરણ તમને શૈતાનથી અવશ્ય દૂર રાખશે.”
માહિરભાઈ સાથેની લગભગ વીસેક મીનીટની ચર્ચાને અંતે મને લાગ્યું કે માહિરભાઈના મનના ઉદ્વેગને મહદઅંશે ઠારવામાં હું સફળ થયો છું. જયારે તેમણે મારી વિદાય લીધી ત્યારે તેમના ચહેરા પર શાતા હતી અને મુખમાં શબ્દો હતા,
“મહેબૂબભાઈ, તમારું પેલું વાકય મને ગમી ગયું “મઝહબ અને મા-બાપ માનવીને ઈશ્વર-ખુદાની દેન છે” એ સત્ય સમજાવવા બદલ આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. જયારે હું એક ઇન્સાનના મઝહબી ઉદ્વેગને ઠારવાની ખુશીમાં તરબતર બની માહિરભાઈને જતાં જોઈ રહ્યો.
(ઘટના સત્ય છે. પણ વ્યક્તિનું નામ અને પરિચય બદલ્યા છે.)



2 Comments

  • aasma Surname or Initialb

    Assalamualaykum,

    Mene aap ka article padha or uska title bhot hi khubsurat h ye do chize majhab or maa-baap hm choose nhi kr skte wo to allah hi psnd krte h pr ek sawal h jo muje bhot pareshan kr rha h or wo h marriage in syed. Hmare yha pe jb shadi ki bat hoti h to phle ye dekhte h k ladka syed h ya nhi?? kyu ki hmare yha agr ldki syed ho to uski shadi syed family me hi honi chaiye esa rivaz h to kya ye shi h ya galt ???or agr ldki shadi krna nhi chahti to use force kr k emotionally blackmail kr k uski shadi krani shi h ya glt??or agar ldka syed ho to  us ke  liye bhi syed family ki hi ladki layi jaye. To kya aap muje iske bare me kuch bta skte h??Mene aap ko isliye ye question kiya ki sayd aap muje shi guide kr skte h.

    Aasma    

  • Purvi Malkan

    મહેબૂબ ભાઈ હું હંમેશા આપના લેખ વાંચતી હોઉ છુ પણ ક્યારેય ઉત્તર નથી આપ્યો. મુસ્લિમ ધર્મ વિષે મને સમજવું ગમે છે. આજે પણ આ વાત આપે બહુ સુંદર વાત સમજાવી.  મહેબૂબ ભાઈ આપને માટે મારો એક સવાલ છે. નમાઝ કેટલા પ્રકારની હોય છે? અને તે નમાઝને ક્યાં નામથી સંબોધવામાં આવે છે?

    આભાર સહ  પૂર્વી.  

Comments are closed.

error: Content is protected !!