અલ્લાહના ૯૯ નામોના સર્જક : ડૉ. જેના અને રાહુલ : ડૉ. મહેબૂબ દેસાઈ

 એકાદ બે માસ પહેલા મને એક પુસ્તક મળ્યું. જેના કાળા મુખપુષ્ઠ પર કોઈ પણ પ્રકારની ડીઝાઈન વગર સફેદ અક્ષરોમાં અંગ્રજીમા લખ્યું હતું, ૯૯ પેન્ટીન્ગસ ઓફ ૯૯ મોસ્ટ બ્યુટીફુલ નેમ ઓફ અલ્લાહ અર્થાત “અલ્લાહના અત્યંત સુંદર નવ્વાણું નામોના ૯૯ ચિત્રો” પુસ્તકના પૃષ્ઠો ઉથલાવતો ગયો તેમ તેમ મારા આશ્ચર્યની સીમા વિસ્તરતી ગઈ. સૌ પ્રથમ તો પુસ્તક અરેબિક શૈલી અર્થાત કુરાને શરીફ જેમ જમણી બાજુ એથી આરંભાય છે તેમ જ આરંભાય છે. અને એટલે જ પ્રથમ દ્રષ્ટિએ હું પુસ્તકના લેખિકા જેનાને મુસ્લિમ યુવતી માનતો હતો. પણ જયારે પુસ્તકના મુખપૃષ્ઠ પર તેનું સંપૂર્ણ નામ  “ડૉ.જેના આનંદ એલ.” વાંચ્યું ત્યારે આશ્ચર્ય સાથે પુસ્તકમાં મને વધુ રસ પડ્યો. ડૉ. જેનાના નામ નીચે જ અલ્લાહના એરેબીક શબ્દોનું આલેખન કરનાર વ્યક્તિનું નામ લખ્યું હતું રાહુલ દિલીપસિંહજી ઝાલા. મારું આશ્ચર્ય બેવડાયુ. બંને હિંદુધર્મીઓએ અલ્લાહના નવ્વાણું નામોને ચિત્રો અને તેના અર્થો દ્વારા શણગારવામાં પોતાની જિંદગીનો અમુલ્ય સમય ખર્ચ્યો હતો.એ પામીને મેં પુનઃ સુખદ આઘાત અનુભવ્યો. પુસ્તકના મુખ્યપૃષ્ઠ પર “ઈશ્વર અલ્લાહ તેરે નામ” વિષયક સાબરમતીના ગાંધી આશ્રમમાં થયેલ ચિત્ર પ્રદર્શનનો સંગ્રહ વાંચીને મારી આંખો વધુ પહોળી થઈ. અલ્લાહના ૯૯ નામોના સુંદર ચિત્રો સાથે હિન્દી, અરેબિક, અંગ્રેજી અને ગુજરાતીમાં અલ્લાહના નામો અને તેના સરળ અર્થો વાળા ૯૯ ચિત્રોનું પ્રદર્શન સૌ પ્રથમ ગાંધી આશ્રમમાં આ બંને હિંદુ ધર્મીઓએ ગાંધી નિર્વાણ દિને કર્યું હતું. અને એ પછી તેનું પુસ્તક રૂપે પ્રકાશન થયું હતું. એ જાણી મારા સુખદ આઘાતની પરંપરા વિસ્તરી. પ્રદર્શન માટેના અલ્લાહના ૯૯ નામોનું ચિત્રણ કરતા પૂર્વે ડૉ. જેના અને રાહુલ ઝાલાએ ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. એ ચિત્રોનું નિરીક્ષણ કરતા પ્રથમ દ્રષ્ટિ એ જ જોઈ શકાતું હતું. અલ્લાહના નામો અને તેના અર્થને વ્યક્ત કરતા ચિત્રોમાં કયાંય માનવ,પશુ-પક્ષીની કૃતિ જોવા મળતી નથી. માત્ર કુદરતી સોંદર્ય અને સ્થૂળ પ્રતીકો દ્વારા અલ્લાહના ૯૯ નામોને અદભૂત રીતે ચિત્રો દ્વારા સાકાર કરવામા આવ્યા છે. જેમ કે અલ્લાહના ૯૯ નામોમાંનું ૧૩મુ નામ છે “ અલ બારી”. જેનો અર્થ થાય છે “ચૈતન્ય તત્વ”. ડૉ. જેનાએ અલ્લાહના ચૈતન્ય સ્વરૂપને વ્યક્ત કરવા હદયના કાર્ડિયોગ્રામ (ઈ.સી.જી)નું ચિત્ર મૂકી પોતાની અધ્યાત્મિક કલ્પના શક્તિનો શ્રેષ્ઠ પરિચય આપ્યો છે. માનવ હદયની ધડકનો અને તેની ગતિ ખુદાના ચૈતન્ય સ્વરૂપનું ઉત્તમ ઉદાહરણ છે. એજ રીતે અલ્લાહના ૯૦માં નામ “અલ માનીઅ:” અર્થાત નુકસાન કે હાનીથી દૂર રાખનાર, રોકનારને ચિત્રાત્મક શૈલીમાં રજૂ કરવા ડૉ.જેનાએ હેલ્મેટનું રંગીન ચિત્ર મૂકયુ છે. હેલ્મેટ આધુનિક યુગમા સુરક્ષાનું ઉમદા પ્રતિક છે. તેના ઉપર એરેબીકમાં સુંદર અક્ષરોમાં “અલ માનીઅ:” લખ્યું છે. અલ્લાહનું ૪૮મુ નામ છે “અલ વદૂદ:” જેનો અર્થ થાય છે પ્રેમ કરનાર,પ્રેમ કરવા લાયક. એરેબીકમાં લખાયેલા “અલ વદૂદ:” શબ્દ નીચે ડૉ.જેનાએ ધબકતું માનવ હદય લાલ રંગમાં મૂકયું છે. જે પ્રેમ કરનાર અને કરવા લાયક દરેક માનવી અને ખુદાનું પ્રતિક છે. પૃષ્ઠ ૪૫ પર અલ્લાહના ૪૫મા નામ “અલ મુજીબ” અર્થાત પ્રાથના સંભાળનાર અને સ્વીકારનારના ચિત્રમાં ગુલાબી પૃષ્ઠભૂમિ પર નમાઝ પઢવાના મુઅસ્લ્લાનું સુંદર ચિત્ર જેના બહેન મુક્યું છે.

અલ્લાહના નામોના આવા ૯૯ ચિત્રાત્મક પ્રતીકો સમગ્ર પુસ્તકની અમુલ્ય જણસ છે. સાણંદ જેવા  નાનકડા ગામમા રહેતા ડૉ. જેના મેનેજમેન્ટ શાખાના ડોક્ટર છે. શિક્ષણ અને ટેક્ષટાઈલનો ડીપ્લોમાં ધરાવે છે. પણ શુદ્ધ ગાંધી વિચારોથી તરબતર છે.ગાંધીજી પર તેમણે “ગાંધીઝ લીડરશીપ” નામક પુસ્તક લખ્યું છે. એક હિંદુ હોવા છતાં અલ્લાહના ૯૯ નામો અંગે પ્રદર્શન અને પુસ્તક કરવાનો વિચાર તેમને કેવી રીતે આવ્યો ? એવા પ્રશ્નના ઉત્તરમાં ડૉ. જેના કહે છે,

“સૌ પ્રથમ હું મહાત્મા ગાંધીજીના જીવનથી અત્યંત પ્રભાવિત છું. અને બીજું, મને ગર્વ છે કે મારો ઉછેર મારા માતા –પિતાએ ધર્મનિરપેક્ષ વાતાવરણમાં કર્યો છે. મારી માતા નીલા આનંદ રાવે મારી સશક્ત અને કમજોર બન્ને જીવન સ્થિતમાં સકારાત્મક અને નવસર્જિત કાર્યો પ્રત્યે મને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. આજ જીવન શૈલીને કારણે મેં સૌ પ્રથમ ગાંધી વિચાર અને એ પછી સર્વ ધર્મોનો અભ્યાસ કર્યો છે. સર્વધર્મના અભ્યાસે મને અહેસાસ કરાવ્યો છે કે દરેક ધર્મ આદરને પાત્ર છે. દરેક ધર્મનું મૂળ બીજ શાંતિ અને પ્રેમ છે. અને એટલે જ આ ચિત્રો દ્વારા મેં ઇસ્લામના શાંતિ અને પ્રેમના સંદેશને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે.”

પણ આ સમગ્ર ઘટનાની પરાકાષ્ઠા સાચ્ચે જ રુંવાડા ઉભા કરી દે તેવી છે. આ પુસ્તકનું  સર્જન કરનાર બંને હિંદુ મહાનુભાવો શરીરિક અને માનસિક રીતે  અસ્વસ્થ છે. અપરણિત અને એકાકી જીવન જીવતા ૪૦-૪૫ વર્ષની વયના ડૉ.જેનાબહેન બ્રેન અને સ્પાઈનલ કોર્ડના ગંભીર રોગથી પીડાય છે. તેમની ઝીંદગીનો કોઈ ભરોસો નથી. છતાં તેમના ચહેરા પર હમેશા હાસ્ય પથરાયેલું રહે છે. ગોરો વાન અને ગોળ ચહેરોના માલિક જેનાબહેન ચિત્રોના સર્જન સમયે ઝાઝું ચાલી સકતા ન હતા. ઉભા રહી શકતા ન હતા. તેમના હાથના આંગળાઓ બ્રશ પકડી શકવા અસમર્થ હતા. છતાં એવા સમયે જેનાબહેને અલ્લાહના ૯૯ નામોના ચિત્રોનું સર્જન કર્યું, એ ઘટના જ કોઈ પણ ધબકતા માનવીને સ્તબ્ધ કરી મુકે તેવી છે. અલ્લાહના ૯૯ નામોને એરેબીક ભાષામાં ચિતરનાર સુરેન્દ્રનગરના રાહુલ ઝાલા એક ગભરુ જવાન છે. ઊંચા-લાંબા, શ્યામવર્ણા અને વેધક આંખોવાળા રાહુલ ઝાલા ચિતભ્રમ અને સ્મૃતિ દોષથી પીડાય છે. ચિત્રોના સર્જન ટાણે પરોઢીએ ત્રણ વાગ્યે બ્રહ્મમુહરતમાં ડૉ. જેનાબહેનના ઘરે આવી જવું અને એરેબીક અક્ષરોમા અલ્લાહના નામોનું ચિત્રણ કરવાનું કાર્ય આરંભવું એ કોઈ સામાન્ય માનવીના લક્ષણો નથી. એ તો ખુદાની અતુટ ઈબાદત છે. આવા ક્ષતિગ્રસ્થ માનવીઓએ સર્જેલ અલ્લાહના ૯૯ નામોના ચિત્રોનું પુસ્તક આજના અસંતુલિત યુગમાં સીમાચિહ્ન રૂપ છે. અને એટલેજ મનના ઊંડાણમાંથી વારંવાર ઉદગારો સરી પડે છે, આવા અસ્વસ્થ માનવીઓ જ સ્વસ્થ સમાજ રચનાના સાચા ઘડવૈયાઓ છે.



error: Content is protected !!