- December 11, 2010
- Posted by: Mehboob Desai
- Category: Uncategorized
મક્કા-મદીનાના નિવાસીઓ ભલે હાજીઓને પ્રવાસીઓ સમજવા લાગ્યા. પણ હજયાત્રા દરમિયાન એક હાજી બીજા હાજીને આજે પણ મદદ કરવા ઉત્સુક રહે છે. પછી તે ગમે તે દેશનો કેમ ન હોઈ. કારણ કે હાજીને મદદ કરવાનો સવાબ (પુણ્ય) અનેક હજજો સમાન છે. તેનું એક સત્ય દ્રષ્ટાંત માણવા જેવું છે. આજથી લગભગ પચ્ચીસેક વર્ષ પૂર્વે ભરુચ જિલ્લાના એક નાનકડા ગામના વતની ૭૦ વર્ષના દાઉદભાઈ, તેમની પત્ની હાજરા અને ભત્રીજો ઇકબાલ હજ પઢવા ગયા. સાત ચોપડી પાસ દાઉદભાઈ હજના પાંચ દિવસો માટે ખુશી ખુશી મીના પહોંચ્યા. મીનામાં એક સરખા તંબુઓને કારણે ભલભલા ભણેલા હાજીઓ ભુલા પડી જાય છે. એ ભુલા પડતા ભણેલા હાજીઓમાં આ વર્ષે મારો પણ સમાવેશ થયો હતો. માટે જ મોટા ભાગના હાજીઓ તંબુનો નંબર અને તેનું કાર્ડ અવશ્ય સાથે રાખે છે. પણ દાઉદભાઈને એમ કે મારે ક્યાં આઘે જવું છે. એમ વિચારી તેઓ પોતાના તંબુમાંથી પાણીની બોટલ લેવા રોડ પર આવ્યા. બોટલ તો તેમને મળી ગઈ. પણ એક સરખા તંબુઓની હારમાળામાં એવા અટવાયા કે પોતાનો તંબુ ભૂલી ગયા. અને એવા તો ભુલા પડ્યા કે ત્રણ દિવસ મીનામાં અને સાતેક દિવસ મક્કામાં “હું ક્યાં છું, હું કોણ છું” એમ માનસિક રીતે અસ્વસ્થ અવસ્થામાં સૌને પૂછતાં રહ્યા. તેમની વૃદ્ધ પત્ની અને ભત્રીજો તેમને શોધી શોધીને થાકી ગયા. પત્નીની આંખો રડી રડીને સોજી ગઈ. આમ છતાં હજની ક્રિયાઓ તો પૂરી કરવાની જ હતી. એટલે જેમ તેમ કરી મીના,અરફાત અને મુદલફામા હજની ક્રિયાઓ પૂર્ણ કરી પત્ની હાજરા અને ભત્રીજો ઇકબાલ મક્કા પાછા આવ્યા.
એક દિવસ મક્કામા કાબા શરીફના ૮૦ નંબરના દરવાજા પાસે એક વૃદ્ધ આવતા જતા સૌ હાજીઓને પૂછી રહ્યો હતો, “હું કોણ છું, હું ક્યાં છું ?” વધી ગયેલી દાઢી, મોમાંથી ટપકતી લાળ અને ફાટેલા કપડા. માનસિક અસંતુલનને કારણે કુદરતી હાજતો કપડામાં જ કરી હોઈ તેમનું આખું શરીર દુર્ગંધ મારતું હતુ. ભરૂચના જ એક હાજી બશીરભાઈની નજર એ વૃદ્ધ પર પડી. તેમનામાંનો ઇન્સાન જાગ્યો અને બશરીભાઈ એ વૃદ્ધને સમજાવીને પોતાના ઉતારે લઈ ગયા. દસેક દિવસથી ગંદકીમાં સબડતા એ વૃધ્ધને પોતાના હાથે નવડાવી, સ્વચ્છ કપડા પહેરાવ્યા. ભોજન કરાવ્યું. પણ માનસિક અસ્વસ્થાને કારણે એ વૃદ્ધ હજુ પણ કુદરતી હાજત કપડામાં જ કરી જતા. બશીરભાઈ વારંવાર તેમને નવડાવે અને પાક કરે. એકાદ બે દિવસ બશીરભાઈએ તેમની બરાબર સેવા કરી. એટલે પેલા વૃદ્ધ થોડા સ્વસ્થ થયા. ત્રીજા દિવસે બશરીભાઈ એ વૃદ્ધને લઈને કાબા શરીફના ૭૯ના દરવાજામાં પ્રવેશી રહ્યા હતા ત્યારે એક છોકરાની બુમ તેમના કાને પડી,
“આ તો મારા કાકા દાઉદભાઈ છે”
અવાજની દિશામાં બશીરભાઈએ નજર કરી. બશીરભાઈને જોઈ પેલો છોકરો તેમની પાસે દોડી આવ્યો અને બોલી ઉઠ્યો,
“આ મારા કાકા છે. તેમને છેલ્લા દસ દિવસથી અમે શોધીએ છીએ”
બશીરભાઈએ એ છોકરા પાસેથી દાઉદભાઈ વિશે બધી માહિતી મેળવી લીધી. પણ તેઓ દાઉદભાઈને સોંપવા તૈયાર ન થયા. તેમણે એ છોકરાને કહ્યું,
“તું મને તારા ઉતારે લઈ જા. ત્યાં તારા કાકી તારા કાકાને ઓળખી લે તો જ હું તેમને સોંપીશ”
અને છોકરો બશીરભાઈને તેના ઉતારે લઈ ગયો. દાઉદભાઈની વૃદ્ધ પત્ની હાજરાબહેન હજુ નમાઝ પઢીને ઉઠ્યા જ હતાં. અને પોતાના રૂમના દરવાજા પર એક અજાણ્યા માનવી સાથે પોતાના પતિને ઉભેલા જોઈ તેમના મોઢામાંથી આછી ચીસ નીકળી ગઈ. દોડીને દાઉદભાઈને તેઓ બાઝી પડ્યા અને ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા. બશીરભાઈએ તેમને શાંત પાડતા કહ્યું,
“અમ્મા, ખુદાના વાસ્તે શાંત થઈ જાવ. ખુદાએ તમને તમારા ખાવિંદ(પતી) પાછા આપ્યા છે. એટલે ખુદાનો શુક્ર અદા કરો અને બે રકાત શુક્રનાની નમાઝ પઢો”
પણ અમ્માના ધ્રુસ્કાઓ અને આંખના આંસુઓ અવિરત ચાલુ રહ્યા. તેમના ભત્રીજા ઇકબાલે તેમને પાણી આપ્યું. દાઉદભાઈ પણ પત્નીનું રુદન જોઈ રડી પડ્યા અને રડતા રડતા બોલ્યા,
“હાજરા, તારા વગર તો હું ગાંડો થઈ ગયો હતો. પણ ખુદાને મારા પર દયા આવી ગઈ.અને બશીરભાઈ જેવો ફરિશ્તો મારી મદદ માટે મોકલી આપ્યો”
દાઉદભાઈના શબ્દો સાંભળી પત્ની હાજરાબહેન થોડા સ્વસ્થ થયા.પતિને પોતાની પાસે બેસાડતા તેમણે બશીરભાઈ તરફ નજર કરી અને કહ્યું,
“તમે મારા ખાવિંદને મારા સુધી પહોચાડી મને નવું જીવન આપ્યું છે” પછી કાબા શરીફ તરફ દુવા માટે બન્ને હાથ ઉંચા કરી હાજરાબહેન બોલ્યા,
“યા અલ્લાહ, તારા આ બંદાને એટલીવાર હજ કરાવજે કે તે ગણી ગણીને થાકી જાય- આમીન”
આજે દાઉદભાઈ અને તેમના પત્ની હાજરાબહેન આ દુનિયામાં નથી રહ્યા. પણ તેમની દુવા જેમના જીવનમાં સાકાર થઈ છે તે બશીરભાઈ ૬૫ વર્ષની વયે પણ તંદુરસ્ત છે. અને દર વર્ષે હજયાત્રાએ આવે છે. પચ્ચીસેક વર્ષ પૂર્વેની આ ઘટના અત્યંત નમ્ર સ્વરે આંસુ ભરી આંખે કહેનાર પાંચ વખતના નમાઝી બશીરભાઈએ આ ઘટના પછી સત્તર હજ અને એકસોથી પણ વધારે ઉમરાહ કર્યા છે.