એઝાઝ-કૌસર : ઇસ્લામી સંસ્કારોની સુગંધ : ડો. મહેબૂબ દેસાઈ

હજયાત્રા એ ઈબાદત તો છે જ . પણ સાથે સાથે વિવિધ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય પણ છે. ઇસ્લામને માનનાર વિવિધ દેશોની પ્રજાની સાંસ્કૃતિક ઓળખ પણ હજયાત્રાની ફલશ્રુતિ છે. ઇસ્લામી સંસ્કારો અને સભ્યતાને સાકાર કરતા અનેક વડીલો અને વૃધ્ધો મક્કા-મદીનાની સરઝમી પર મને જોવા મળ્યા છે. તેમના વ્યવહાર વર્તનમાં અલબત ઇસ્લામિક વિવેક અને સભ્યતા હતા. પણ નિર્દોષ-નિસ્વાર્થ પ્રેમસભર ઇસ્લામિક સંસ્કારો મને ગુજરાતના એક યુવા યુગલમાં જોવા મળ્યા. સૌ પ્રથમ મુંબઈના આંતરરાષ્ટ્રીય એર પોર્ટ પર અમારી આંખો ચાર થઈ. સાઉદી અરબિયાના હજ ટર્મિનલ પર અમે દુવા-સલામ કરી. મારી જ હોટેલ અલ ફિરદોસમાં તેમનો ઉતારો હતો. એટલે અમે અવારનવાર ડાયનિંગ હોલમાં મળતા.પરિણામે અમારી વચ્ચેના સંવાદો વિસ્તરતા ગયા. પરિચય વધતો ગયો. અને નિકટતા કેળવાતી ગઈ. એ યુગલનું નામ એઝાઝ અને કૌસર.

એઝાઝ એક બિઝનેસ મેન છે. પ્લાસ્ટિકના દાણા અને તેમાંથી વસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી ચલાવે છે. ત્રેવીસેક વર્ષનો એઝાઝ અત્યંત ખુબસુરત ગભરુ જવાન છે. ગોરોવાન, સફેદ ફ્રેમના નંબર ગ્લાસ અને હોઠો પર હંમેશા સ્મિત સાથે મળતો એઝાઝ પુણે યુનિવર્સીટીનો ઇલેક્ટ્રોનિક ઇજનેર છે. અત્યંત શ્રીમંત પરિવારનો નબીરો હોવા છતાં બિલકુલ નિરાભિમાની છે. ડાઉન ટુ અર્થ છે. ઇસ્લામિક સંસ્કારો અને સભ્યતા તેના સરળ વ્યક્તિત્વને વધુ ઉજાગર કરે છે. જયારે પણ અમે મળતા ત્યારે “ અસ્સ્લામુઅલ્યકુમ અંકલ ”કહી હાથને ચૂમી અચૂક સ્મિત કરતો. તેના નિકાહ છ માસ પુર્વેજ થયા છે. બંને પતિ-પત્ની શાદી પછી હજ કરવા આવ્યા છે. તેની પત્ની કૌસર પણ દુબળી પાતળી નમણી ખુબસુરત દીકરી છે. એમ.કોમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર કૌસરને અમે હજયાત્રા દરમિયાન મોટે ભાગે ખુલ્લા ચહેરા સાથે કાળા બુરખામા જ જોઈ. એટલે એકવાર મારી પત્ની સાબેરાએ પૂછ્યું,
“કૌસર બેટા, તું હંમેશા બુરખો પહેરે છે ?”
ચહેરા પર મીઠું સ્મિત પાથરતા કૌસર બોલી, “ના આંટી, હું નોર્મલી બુરખો નથી પહેરતી. પણ અહિયા હજના આરકાન(ક્રિયા)મા હાથ-પગ ખુલ્લા ન રખાય માટે જ બુરખો પહેરું છું” તેની ઇસ્લામિક તેહજીબ અમને ગમી ગઈ. એક દિવસ નાસ્તાના ટેબલ ઉપર અમે મળી ગયા. એઝાઝે ઉભા થઈ અમને આવકાર્ય. અને નાસ્તાને ન્યાય આપતા કહ્યું,
“અંકલ અમે મોટો ઉમરાહ કરવા જવાનું વિચારીએ છીએ. તમારે આવવું હોઈ તો આપણે ચારે સાથે જઈએ?” મેં સાબેરા સામે જોયું અને કહ્યું, “વિચાર સારો છે.”
અને મક્કાથી લગભગ ૩૧ કિલોમીટર દૂર આવેલ મસ્જિત-એ-જઅરાના જવા આવવાની ટેક્સીની એઝાઝે વ્યવસ્થા કરી. એ એક ઐતિહાસિક મસ્જિત છે. અહીંયા હઝરત મુહંમદ સાહેબ (સ.અ.વ.) પોતાના સહાબીઓ સાથે આવ્યા ત્યારે બિલકુલ પાણી ન હતુ. કહેવાય છે કે આપે વઝું કરવા થોડું પાણી લીધું અને કુલ્લી (કોગળો) કરી. પરિણામે અહિયા પાણીનો કુવો બની ગયો. આજે પણ એ કુવો પાણીથી ભરેલો છે. તેના પાણીમાં લોખંડનું તત્વ વધારે છે. અહીંથી પણ અહેરામ બાંધી ઉમરાહ કરવામાં આવે છે. જેને મોટો ઉમરાહનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમે પણ ત્યાંથી જ અહેરામ બાંધી મોટો ઉમરાહ કર્યો. ઉમરાહ પછી જયારે મેં ટેક્સીનો આવન જાવાન ખર્ચ આપવાનો એઝાઝને પ્રયાસ કર્યો ત્યારે એઝાઝ અત્યંત નમ્રતાથી બોલ્યો,
“અંકલ , તમે તો અમારા વડીલ છો તમારી પાસેથી પૈસા ન લેવાય”
અને તે સાથે જ કૌસર પણ બોલી ઉઠી, “ અંકલ, આપે અમને થોડી ખિદમત કરવાની તક આપી એ જ અમારા માટે મોટી દુઆ છે”
હજના દિવસો નજીક આવતા અમારે હોટેલ બદલવાનો સમય આવ્યો. હોટેલ ફિરદોસમા એ અમારી છેલ્લી રાત હતી. માટે હું કાબા શરીફમા તવાફ(પરિક્રમા) માટે ગયો હતો. રૂમ પર સાબેરા એકલી હતી. ત્યારે એઝાઝ મારી રૂમ પર આવ્યો. અને ત્રણ અંગ્રજી ઇસ્લામિક ગ્રંથો સાબેરાને આપતો ગયો. અત્યંત મૂલ્યવાન એ ત્રણ પુસ્તકોમાં “વ્હેન મૂન સ્પ્લીટ” (મુહંમદ સાહેબનું આધારભૂત જીવનચરિત્ર), “સિવિલાયઝેસન ઓફ ટ્રુથ” અને “સિક્રેટ ઓફ લીડરશીપ એન્ડ ઇન્ફ્લુયન્સ”(ઇસ્લામિક ઇતિહાસના સંદર્ભમાં). આ ત્રણે ગ્રંથોના પ્રથમ પૃષ્ઠ પર લખ્યું હતુ,
“ પ્રિય મહેબૂબ અંકલ, આપની દુવા(પ્રાર્થના)માં અમને પણ યાદ કરશો. – એઝાઝ-કૌસર”
એઝાઝ અને કૌસરની આવી ઉમદા ભેટે મને ગળગળો કરી મુક્યો. રાતના અગિયાર વાગ્યા હતા. છતાં તેમના પ્રેમના પ્રતિભાવ અર્થે મેં એઝાઝ અને કૌસરની રૂમે જવાનું નક્કી કર્યું. એક પળ ગુમાવ્યા વગર હું તેમની રૂમે પહોંચ્યો. થોડા સંકોચ સાથે મેં તેમના રૂમનો દરવાજો ખખડવ્યો. એઝાઝે દરવાજો ખોલ્યો. મને જોઈને બંને બાળકો આનંદિત થઈ ગયા.
“આવો આવો અંકલ, આપ અમારી રૂમે આવ્યા એ જ અમારા માટે આનંદની વાત છે”
મેં કહ્યું, “ તમારા બંનેનો પ્રેમ મને અડધી રાત્રે અહીંયા ખેંચી લાવ્યો. આટલા કિંમતી ગ્રંથો તમે મને ભેટ આપ્યા અને હું તમારો આભાર માનવા પણ ન આવું તો ન ગુણો ગણાઉ”
એ સાંભળી એઝાઝ બોલી ઉઠ્યો,
“અંકલ, આપ જેવા વડીલને કઈક આપતા અમને કેટલી ખુશી થઈ તેનો અંદાઝ આપને ન હોય. બસ આપતો અમારા માટે દુવા (પ્રાર્થના) કરો”
થોડીવાર બંને બાળકો સાથે વાતો કરી તેમની વિદાય લઈ હું રૂમની બહાર આવ્યો. પણ ત્યારે મારું હદય ઇસ્લામી સંસ્કારો અને સભ્યતાની મિશાલ સમા એઝાઝ-કૌસરના પ્રેમથી ભીંજાય ગયું હતુ.



error: Content is protected !!