મને ભારતના વડાપ્રધાન બનાવો : ડો. મહેબૂબ દેસાઈ

મને ભારતના વડાપ્રધાન બનાવો

ડો. મહેબૂબ દેસાઈ

રાહુલ ગાંધીના વિધાને ખળભળાટ કર્યો છે. અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કરેલ વિધાન ” કોઈ પણ લાયક મુસ્લિમ ભારતનો વડાપ્રધાન બની શકે” રાહુલ ગાંધીનું આ વિધાન ભારતના રાજકારણની અસલ તાસીર વ્યક્ત કરે છે. એ તાસીરના પ્રવાહોથી ભારતનો મુસ્લિમ અજાણ છે, તેમ કહેવું ખોટું છે. મુસ્લિમ નેતાગીરીમાં આવતી જતી ઓટથી કોણ અપરિચિત છે ? ભારતના ૧૩ ટકા મુસ્લિમ સમુદાયનું લોકસભા અને વિધાનસભામાં ઘટતું જતું પ્રતીનીધીત્વ આંકડોઓની ભરમાર વગર પણ જોઈ શકાય છે. ગત લોકસભાની ચૂંટણીમાં ૩૪ મુસ્લિમો ચૂંટાય આવ્યા હતા. આ વખતે તેની સંખ્યામાં ઘટાડો થયો છે. માત્ર ૨૮ સભ્યો મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. મુસ્લિમ નેતાઓ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. કોંગ્રસમાં ગુજરાતના અહેમદ પટેલ ,ગુલામનબી આઝાદ અને સલમાન ખુરશીદ જાણીતા નામો છે. ભાજપમાં તો મુસ્લિમ નેતાગીરીને પાંગરવાની તક જ નથી, એવો અહેસાસ ભારતનો દરેક મુસ્લિમ અનુભવે છે. આ માટે કેટલાક કારણો જવાબદાર છે.

૧. રાજકારણમાં ધર્મનો વધતો જતો પ્રભાવ
૨. મુસ્લિમ સમાજની રાજકારણ પ્રત્યેની ઉદાસીનતા છે.
૩. મુસ્લિમ સમાજની આંતરિક જૂથબંધી.
૪. મુસ્લિમ મતદાર વિસ્તારોનું થયલું વિભાજન

આ તમામ કારણોએ મુસ્લિમ નેતાગીરીને રૂંધી નાખી છે. આવા સંજોગોમાં મુસ્લિમ નેતાગીરીને આગળ આવવાની તક નહીંવત બની ગઈ છે. એવા સમયે ભારતના વડાપ્રધાન પદ માટે લાયક મુસ્લિમની વાત ઉચ્ચારવી એ ઝાંઝવાના જળ સમાન છે.આમ છંતા આપણા નેતાઓની ઉદારતા માટે માન થાય છે. બાળ ઠાકરે સાહેબ મુસ્લિમ વડા પ્રધાન બનાવવા તૈયાર છે. પણ રાહુલ ગાંધી જેવીજ લાયક ઉમેદવાર માટે ત્રણ શરતો મુકે છે.

૧. રામ જન્મ ભૂમિ પર મંદિર બનાવે
૨. વન્દેમાતરમ ગીતનો સ્વીકાર કરે
૩. સમાન સિવિલ કોડનો સ્વીકાર કરે.

આ ત્રણે શરતોનો સ્વીકાર કરનાર મુસ્લિમને ઠાકરે સાહેબ વડાપ્રધાન બનાવવા તૈયાર છે. હું તેમની એ ત્રણે શરતો સ્વીકારવા તૈયાર છું. રાહુલ ગાંધીની શરત મુજબ શિક્ષિત મુસ્લિમ તરીકે ભારતના વડાપ્રધાન થવાની લાયકાત હું ધરાવું છું. ઠાકરે સાહેબની ત્રણે શરતો મને માન્ય છે. કારણકે આ શરતો સ્વીકારવાથી ભારતનો શિક્ષિત મુસ્લિમ વડાપ્રધાન બની સકતો હોઈ તો પણ સોદો ઘણો સસ્તો છે.આજે જે રીતે મુસ્લિમ નેતાગીર અલોપ થઈ રહી છે, એ જોતા આટલી શરતોએ મુસ્લિમ નેતાગીરીને પાંગરવાની તક કઈ નાની સુની વાત નથી. રામ મંદિર બનાવવના મુદ્દે શિક્ષિત મુસ્લિમોનું વલણ હંમેશ હકારાત્મક રહ્યું છે.રામ મંદિરના હોબાળ સમયેજ મુસ્લિમોએ વારંવાર કહ્યું છે, મંદિર બનાવી વાતનો તંત મુકો. પણ મંદિરના સર્જન કરતા તેના વિવાદમાં રાજકારણીઓને વધુ રસ રહ્યો છે. જયારે વન્દેમાતરમના ફતવા સામે શિક્ષિત મુસ્લીમોના બહોળા હકારાત્મક પ્રતિભાવો હાલમાંજ આપણે જાણ્યા છે. સમાન સિવિલ કોડનો મુદ્દોતો હિંદુ અને મુસ્લિમ બંને પ્રજાને લાગુ પડે છે. હિંદુ કોડ અને મુસ્લિમ કોડના વિલીનીકરણ પછી જ સમાન સિવિલ કોડની રચના થશે.એ માટે માત્ર મુસ્લિમોએ જ ચિંતિત થવાની જરૂર નથી.

એક શિક્ષિત મુસ્લિમ તરીકે હું બંને નેતાઓને અપીલ કરું છું કે મને ભારતનો વડા પ્રધાન બનવો. કારણકે બન્ને નેતાઓની શરતોનું તહેદિલથઈ હું પાલન કરીશ.વાચકોને મારી દરખાસ્ત હસ્યાસ્પદ જરૂર લાગશે. પણ એમાં લગાડવાની જરૂર નથી. એ તો છે જ . પણ લોકશાહી રાષ્ટ્રમાં વડા પ્રધાન પદ માટેની શરતો લઘુમતી સમુદાય માટે મુકાય એ વાત પણ એટલી જ હાસ્યાસ્પદ લાગે છે. વળી, એ માટે એવા લઘુમતી સમાજની પસંદગી થાય કે જેની નેતાગીરી દિનપ્રતિદિન ક્ષીણ થતી જાય છે. એ સાચ્ચે જ દુ:ખદ બાબત છે. આજે મુસ્લિમ સમાજની નેતાગીરીને નવો ઓપ આપી, રાજકારણના હાંસિયામાં મુકાય ગયેલા મુસ્લિમ સમાજને લોકશાહીમાં પ્રતીનીધીત્વ આપવાની દેરક પક્ષની ફરજ છે. પણ એ ફરજ પ્રત્યે સભાનતા કેળવવાને બદલે મુસ્લિમોને લોકશાહીમાં શરતી વડા પ્રધાન બનાવવાની તરંગી વાતો કેટલી બંધારણીય ગણાય, એ મુદ્દો વિચારણા માંગી લે તેવો છે.



2 Comments

  • Dineshgiri N Goswami

    મિત્રવર,
    આપના બ્લોગનું વાંચન તો હજુ બાકી છે,પરંતુ ઘણા વર્ષો પછી મિત્ર ની મુલાકાત બ્લોગ ના માધ્યમ થી થઇ , ખુબ ખુશી અનુભવાય, કોલેજ સમય નાનકડી મૈત્રી કદાચ યાદ ના પણ હોય પરંતુ હું અખબારો ના માધ્યમ થી આપની ઉન્નતિ થી આનંદિત થતો રહું છું, આપનું ઈ-મેલ આઈ ડી પાઠવશો વધારે ખુલી લખી શકી……

Comments are closed.

error: Content is protected !!