Categories: Uncategorized

ગુરુની ગુરુતા : ગુરુપૂર્ણિમા

ગુરુની ગુરુતા : ગુરુપૂર્ણિમા

ડો. મહેબૂબ દેસાઈ

હિંદુ અને ઇસ્લામ બંને સંસ્કૃતિઓમાં ગુરુ કે ઉસ્તાદનું સ્થાન મોખરે છે. ગુરુપૂર્ણિમાની નિમિત્તે ઇસ્લામમાં ગુરુના સ્થાન-માન, મૂલ્યોને અભિવ્યકત કરતાં બે દૃષ્ટાંતો અત્રે પ્રસ્તુત છે. હારૂન રશીદ બગદાદના ખલીફા હતા. તેમનો પુત્ર અને તેના મામા બંને હજરત ઇમામ કસાઈ પાસે શિક્ષણ લેવા જતા. એક દિવસ ગુરુ બંને શહેજાદાઓને ભણાવીને ઊઠયા. બંને શહેજાદાઓ ગુરુના ચંપલ લેવા દોડયા અને બંને વરચે ઝઘડો થયો, કોણ ગુરુને ચંપલ પહેરાવે? અંતે ગુરુએ ન્યાય કર્યોબંને એક એક ચંપલ પહેરાવે. ખલીફા હારૂન રશીદને આ ઘટનાની જાણ બાદ તેમણે ગુરુને દરબારમાં હાજર કરવા હુકમ કર્યો. હજરત ઇમામ કસાઈ દરબારમાં હાજર થયા. ખલીફા હારૂને ભર દરબારમાં આપને પૂછ્યું,

‘આપે મારા રાજકુમારો પાસે ચંપલ ઉપડાવી, તેમને પહેરાવવાનું કહ્યું હતું?’

હજરત ઇમામ કસાઈએ હા પાડી. આવો એકરાર સાંભળી દરબારીઓ ભયભીત થઈ ગયા. હમણાં ખલીફા હારૂન હજરત ઇમામ કસાઈનું માથું ઉતારી લેશે. પણ થોડીવાર એક નજરે હજરત ઇમામ કસાઈને જૉઈ ખલીફા હારૂન બોલ્યા, ‘આપે મારા રાજકુમારોને આપના ચંપલ ચકવા ન દીધા હોત તો ખરેખર આપ સજા પામત, પણ આપે તો તેમને ગુરુની ઇજજત કરવાનું શીખવી સુસંસ્કારો આપ્યા છે.’

દરબારીઓ ખલીફાનું આ વલણ જોઈ ખુશ થયા. જયારે હજરત ઇમામ ખલીફાને કુરનીશ બજાવી ચાલતા થયા ત્યારે ખલીફાનો અવાજ તેમના કાને પડયો. ‘થોભો, મેં આપને જવાની આજ્ઞા હજુ નથી આપી.’

પોતાના આસન પરથી ઊભા થઈ. ખલીફા હારૂન રશીદ ગુરુ પાસે આવ્યા અને તમને દસ હજાર દિનાર આપતા બોલ્યા, ‘આપે મારા રાજકુમારોને જે કંઈ આપ્યું છે તેની તુલનામાં આ તો ઘણું આછું છે. છતાં સ્વીકારીને આભારી કરો.’

દરબારીઓ ખલીફા હારૂન રશીદનો આ વ્યવહાર અવાચક બની જોઈ રહ્યા.

ગુરુની નીતિમત્તા અને મૂલ્યોના જતનનો આવો જ એક અન્ય કિસ્સો માણવા જેવો છે.

અલીગઢના અપાર ધનાઢય મૌલવી ઇસ્માઈલને હદીસનું જ્ઞાન મેળવવાની ઇરછા થઈ. તેમણે અત્યંત વિદ્વાન હજરત મૌલાના કાસીમ નાનોતવીનો સંપર્ક સાઘ્યો. ગુરુ હજરત કાસીમે શિષ્ય ઇસ્માઇલ સામે એક નજર કરી પછી પોતાની શરત સંભળાવતાં કહ્યું,

‘તમને હદીસનો અભ્યાસ તો કરાવું પણ તનખ્વાહ(વેતન) મારી ઇરછા મુજબ લઈશ.’

શિષ્ય ઇસ્માઇલે તરત કહ્યું, ‘આપ કહો તે તનખ્વાહ (વેતન) મને મંજૂર છે! અને ગુરુ-શિષ્યનો નાતો બંધાયો. એક માસને અંતે વેતન આપવાનો સમય આવ્યો ત્યારે ગુરુ કાસીમે કહ્યું, ‘મને માત્ર પંદર રૂપિયા તનખ્વાહ આપો.’

આ સાંભળી ધનાઢય શિષ્ય ઇસ્માઇલ તો અવાક બની જૉઈ રહ્યો. માત્ર પંદર રૂપિયા! પણ આવા જ્ઞાની ગુરુ પાસે દલીલને અવકાશ ન હતો. એટલે મૌન રહી પંદર રૂપિયા આપી દીધા. એકાદ માસ થયો ત્યાં તો એક દિવસ ગુરુ કાસીમે પોતાના ધનાઢય શિષ્યને કહ્યું, ‘મારે તનખ્વાહ બાબત તારી સાથે વાત કરવી છે.’

શિષ્ય ઇસ્માઇલ તો ખુશ થયો. તેને લાગ્યું વેતનમાં વધારો કરવાનો પ્રસ્તાવ ગુરુ મૂકશે, પણ ગુરુ કાસીમ બોલ્યા, ‘આ માસથી મને પંદરને બદલે માત્ર દસ રૂપિયા જ વેતનના આપજો.’

હવે ધનાઢય શિષ્યથી ન રહેવાયું, ‘આપ જેવા જ્ઞાની પાસેથી હદીસનું ગૂઢ જ્ઞાન મેળવવું એ તો તકદીરની વાત છે છતાં આપ આટલું ઓછું વેતન શા માટે માગો છો?’

હજરત કાસીમ બોલ્યા, ‘પંદર રૂપિયા મારી જરૂરિયાત પૂર્ણ કરવા પૂરતા હતા. મારા કુટુંબનું ખર્ચ દસ રૂપિયા અને પાંચ રૂપિયા મારા વાલીદ (પિતા)ને આપતો. પણ ગઈ કાલે તેમનું અવસાન થયું એટલે હવે પાંચ રૂપિયાની મારે જરૂર નથી. જે પૈસાની જરૂર ન હોય તેનો બોજૉ મારે શા માટે વહન કરવો જૉઈએ?’

આટલું કહી ગુરુ કાસીમે વિદાય લીધી.

Mehboob Desai

Recent Posts

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…

4 years ago

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…

4 years ago

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…

4 years ago

મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…

4 years ago

દૂરદર્શન, અમદાવાદ :

“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો  ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…

4 years ago

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…

10 years ago