Categories: Uncategorized

“સાચો મુસ્લિમ આતંકવાદી ન હોઈ શકે” હશીમ આમલા : ડૉ.મહેબૂબ દેસાઈ

૧૨ માર્ચ ૨૦૧૧ના રોજ હોબાર્ટ(ઓસ્ટ્રેલિયા)મા મારા પુત્રના નિવાસ સ્થાનમા સાઉથ આફ્રિકા અને ભારતની મેચ જોઈ રહ્યો હતો. અચાનક મારી નજર દક્ષિણ આફ્રિકાની ટીમના ઇસ્લામિક દાઢીધારી મુસ્લિમ ખેલાડી પર પડી. અને મને તેનો કોમેન્ટેટર ડીન જોન્સ સાથેનો વિવાદ યાદ આવી ગયો. મૂળ દુબઈનો હશીમ આમલા દક્ષિણ આફ્રિકાનો ઉત્તમ બેટ્સમેન અને મીડીયમ પેસ બોલર છે. ૩૧ માર્ચ ૧૯૮૩મા જન્મેલ હશીમ મોટે ભાગે ત્રીજા ક્રમે રમે છે. ડર્બન સ્કુલમાંથી સ્નાતક થયેલ હશીમએ તેની કારકિદી ભારતમાંથી શરુ કરી હતી. ૨૮ નવેમ્બર ૨૦૦૪ કોલકાત્તાના ઇડર ગાર્ડનમાથી પ્રથમ મેચ રમનાર હશીમ પાંચ વખતના નમાઝી અને પાબંધ મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેને જન્મજાત મળેલ ઇસ્લામિક સંસ્કારો તેની કારકિર્દીના દરેક વણાંક પર જોવા મળે છે.

૨૦૦૬ના ઓગસ્ટમા સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી હતી. ટેન સ્પોર્ટ્સના કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ અંત્યંત ઉત્સાહમાં કોમેન્ટ્રી આપી રહ્યા હતા. એ જ ક્ષણે હશીમે બીજી વિકેટ લીધી. અને કોમેન્ટેટર ડીન જોન્સ બોલી ઉઠ્યા,
“ધી ટેરરીસ્ટ ગેટ્સ અનધર વિકેટ્સ” અર્થાત “આતંકવાદીએ વધુ એક વિકેટ લીધી”
એક મુસ્લિમ ખેલાડીને વિશ્વ સમક્ષ આતંકવાદી તરીકે સંબોધવો, એ કોઈ પણ વ્યક્તિને ન ગમે. અને એ પણ એવા સમયે કે જયારે કેટલાક કહેવાતા મુસ્લિમો જેહાદના નામે સમગ્ર વિશ્વમા ઇસ્લામને બદનામ કરી રહ્યા હોઈ. પરિણામે મોટો વિવાદ સર્જાયો. એ વિવાદ એટલો વકર્યો કે ટેન સ્પોર્ટ્સના સંચાલકોએ કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ સાથેનો કરાર રદ કર્યો. ડીન જોન્સને ટેન સ્પોર્ટ્સ છોડવું પડ્યું. આમ છતાં હશીમએ આ ઘટના અંગે કોઈ જ પ્રત્યાઘાત ન આપ્યા કે કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ માટે એક પણ ઘસાતો શબ્દ ન ઉચાર્યો. એક પત્રકારે આં અંગે તેને પૂછ્યું,
“આપને આતંકવાદી કહેનાર કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ પર આપને જરા પણ ગુસ્સો નથી આવતો ?”
ત્યારે અત્યંત શાંત સ્વરે હશીમ બોલ્યો,
“ઇસ્લામમાં ક્ષમા અને સબ્ર મોટા આભૂષણો છે. તે દરેક માનવીએ અપનાવવા જેવા છે. એટલે હું તો તેમના એ વિધાનને ક્યારનો ભૂલી ગયો છું.”
મુંબઈમાં આતંકવાદી હુમલો થયો. તેના સમાચાર વિશ્વમાં પ્રસરી ગયા. અને પુનઃ હશીમના ઇસ્લામી સંસ્કારો બોલી ઉઠ્યા,
“આવી માનવ હિંસા કરનાર ઇન્સાન મુસ્લિમ નથી. કોઈ સાચો મુસ્લિમ આતંકવાદી ન હોઈ શકે”
હશીમની ઇસ્લામ ધર્મની વિભાવના અને શ્રધ્ધાના કેન્દ્રમાં શુદ્ધ માનવતા છે. ઇસ્લામના પાંચ નિયમો ઈમાન (વિશ્વાસ), નમાઝ, ઝકાત(ફરજીયાત દાન), રોઝા(ઉપવાસ) અને હજજનું ચુસ્ત પણે પાલન કરનાર હશીમ એક મુસ્લિમને છાજે તેવી સુંદર દાઢી રાખે છે. ગમે તે સંજોગોમાં એ પાંચ વખતની નમાઝ પઢવાનું ચૂકતો નથી. શરાબનું બિલકુલ સેવન નથી કરતો. એટલું જ નહિ શરાબનું ઉત્પાદન કરતા વ્યવસાય સાથે પોતાનું નામ જાણ્યે અજાણ્યે પણ ન જોડાઈ જાય તેની ખાસ તકેદારી પણ રાખે છે. તેના ક્રિકેટર તરીકેના જીવનમાં તેનું સુંદર અને પ્રસંસનીય દ્રષ્ટાંત મળે છે.

આજકાલ ક્રિકેટરોનો મૈદાન પરનો પોષક જાહેરાતનું હરતું ફરતું બોર્ડ બની ગયો છે. તેના પર અનેક કંપનીઓ-સ્પોન્સરોના લોગો અને નામો ચારે બાજુ ચિતરાયેલા હોય છે. જેના અઢળક નાણા ક્રિકેટરોને મળે છે. દક્ષિણ આફ્રિકમાં રાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હશીમની પસંદગી થઈ. અને તેના મૈદાન પરના પોષક પર દારૂ અને બીયર બનાવતી દક્ષિણ આફ્રિકાની મોટી કંપની “કેસ્ટલ” નો લોગો આવ્યો. દરેક ક્રિકેટરે તે સ્વીકારી લીધો. પણ હશીમે તેનો વિરોધ કર્યો. દારૂ અને બીયરનો પ્રચાર કરતી કંપનીનો લોગો પોતાના પોષક પર ન રાખવા તેણે ક્રિકેટ બોર્ડને વિનંતી કરી. આં અંગે પણ દક્ષિણ આફ્રિકામાં કાફી વિવાદ થયો. પણ હશીમ મક્કમ રહ્યો. તેણે ક્રિકેટ બોર્ડને કહ્યું,
“ઇસ્લામના નિયમ મુજબ દારૂનું સેવન કરવું, તે સેવન કરનારની મદદ કરવી, તેનું નિર્માણ કે વેચાણ કરનારને તેના કાર્યમાં કોઈ પણ રીતે મદદ કરવી એ મોટો ગુનાહ છે. એટલે હું મારા પોષક પર “કેસ્ટલ” કંપનીનો લોગો નહિ લગાડું.”
અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે હશીમની વાત સ્વીકારી. અને હશીમના મૈદાન પરના તમામ પોશાકો પરથી “કેસ્ટલ” કંપનીનો લોગો દૂર કરવામાં આવ્યો. ઇસ્લામના આવા માનવીય સિદ્ધાતોને જીવનમાં સાકાર કરનાર રમતવીરને તેમના આવા વલણ અંગે એક પત્રકારે કહ્યું,
“તમે તો એક રમતવીર કરતા એક સંત જેવી વાતો કરો છો”
અને ત્યારે સહેજ સ્મિત કરતા હશીમેં કહ્યું,
“હું સાચ્ચે જ સંત નથી. પણ ઇસ્લામની જીવન પદ્ધતિએ મને સારા ક્રિકેટર બનવામાં અવશ્ય મદદ કરી છે. હું દારૂ નથી પીતો.પાંચ વખતની નમાઝ પઢું છું , જે મને માનસિક શાંતિ અને સ્વસ્થતા આપે છે. જેના કારણે મારી રમતમા હું મારું પૂર્ણ સત્વ રેડી શકું છું.”

Mehboob Desai

Recent Posts

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…

4 years ago

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…

4 years ago

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…

4 years ago

મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…

4 years ago

દૂરદર્શન, અમદાવાદ :

“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો  ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…

4 years ago

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…

10 years ago