Categories: Uncategorized

સમ્રાટ અશોક અને “ધમ્મ” : ડૉ.મહેબૂબ દેસાઈ

મધ્યકાલિન ભારતમાં મોઘલ બાદશાહ અકબરે “દિન-એ-ઇલાહી” ધર્મની સ્થાપના દ્વારા એક નવી મૂલ્યનિષ્ઠ ધાર્મિક વિચારધારા પ્રસરાવવાનો પ્રયાસ કર્યો હતો. જે ઘટના ભારતના ઇતિહાસમાં જાણીતી છે. પણ પ્રાચીન ભારતમાં સમ્રાટ અશોકની “ધમ્મ” નામક વિચારધારાની ઇતિહાસમાં ઝાઝી નોંધ લેવાઈ નથી.આપણા જાણીતા ઇતિહાસકાર રોમિલા થાપરે તેમના ગ્રંથ “અશોક અને મૌર્ય સામ્રાજયનું પતન” નામક ગ્રંથમાં તે અંગે એક વિસ્તૃત પ્રકરણ ફાળવ્યું છે. અશોકની ધાર્મિક નીતિમાં “ધમ્મ” યશકલગી સમાન છે. રોમિલા થાપર લખે છે,

“ધમ્મ”નીતિ અશોકની પોતાની શોધ હતી. શક્ય છે કે તે હિંદુ અને બૌદ્ધ ચિંતનમાંથી લેવામાં આવી હોઈ. પરંતુ તે દ્વારા સમ્રાટ અશોકે ધર્મના પથદર્શનનો એક નવો માર્ગ પ્રજાને ચીંધ્યો હતો. જે વ્યવહારિક અને સહજ હોવા ઉપરાંત નૈતિક હતો. તે આમ પ્રજા માટે સુખદ માધ્યમ માર્ગ હતો. અને એટલે જ અધિકાંશ પ્રજા “ધમ્મ”થી પ્રભાવિત હતી. અશોકના અભિલેખો તેનું ઉત્તમ ઉદાહરણ છે.જેમાં “ધમ્મ”ના સિદ્ધાંતો સહજ રીતે પ્રગટ થયા છે. જો તેની “ધમ્મ”નીતિ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનું પુરાવર્તન માત્ર હોત તો, અશોકે  તેનો સ્પષ્ટ સ્વીકાર કર્યો હોત. કારણ કે અશોકે કયારેય બોદ્ધ ધર્મ પ્રત્યેના તેના લગાવને છુપાવાનો પ્રયાસ કર્યો નથી.”  

રોમિલા થાપારનું આ વિધાન કેટલીક બાબતો સ્પષ્ટ કરે છે.

૧. અશોકની “ધમ્મ” નીતિ તેની સ્વાતંત્ર ધાર્મિક વિચારધારા હતી. શક્ય છે બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મના સિદ્ધાંતો તેમાં લેવાયા હશે.

૨. તે વ્યવહારિક,સહજ અને નૈતિક હતી.

૩. તેને મોટાભાગની પ્રજાનો ટેકો હતો.

અશોકની “ધમ્મ” અને અકબરની “દિન-એ-ઇલાહી”ની તુલના કરીએ તો અશોકની ધમ્મ વિચારધારા વધુ પ્રભાવશાળી અને સફળ હતી. જેમ કે

૧.”દિન-એ-ઇલાહી” એ પણ અકબરની મૌલિક ધર્મ વિચારધારા હતી તેમાં પણ સર્વ ધર્મોના સારા તત્વોનું સંકલન હતું.

૨. “દિન-એ-ઇલાહી” વ્યવહારુ અને સરળ ન હતો. માત્ર વિદ્વાનો સુધી સીમિત રહ્યો હતો.

૩. “દિન-એ-ઇલાહી” માત્ર વિદ્વાનો સુધી સીમિત રહ્યો હતો.તેને આમ પ્રજાનો ટેકો ન હતો. માત્ર અકબરના ૧૧ જેટલા અનુયાયીઓ એ જ તેનો સ્વીકાર કર્યો હતો. આમ અશોકની ધમ્મ વિચારધારા “દિન-એ-ઇલાહી” કરતા વધુ સફળ અને પ્રચલિત હતી. છતાં ભારતીય ઇતિહાસમાં તેની ચર્ચા અને મહત્તા ઝાઝી વ્યક્ત નથી થઈ.

અશોકના શિલાલેખોમાં ધમ્મની વ્યાખ્યા અને ઘોષણાઓ જોવા માળે છે. તેને બે વિભાગમાં વિભાજિત કરવામા આવે છે. ૧. ધમ્મ અંગેની સાર્વજનિક ઘોષણાનો ૨. ધમ્મ અંગેની માર્ગદર્શક ઘોષણાનો. અશોકની ધમ્મ નીતિની વિશિષ્ટતા એ હતી કે તેમાં માત્ર ધર્મ ન હતો પણ તેમાં પ્રજા કલ્યાણ અને આર્થિક વિકાસની સંભાવના પણ હતી. જેમ જે અશોકના એક શિલાલેખમાં પ્રજા કલ્યાણ અંગે લખ્યું છે,

“ચાહે હું ભોજન કરતો હોઉં, અંતપુરમાં હોઉં, ચાહે શયનકક્ષમાં હોઉં, ચાહે સવારી પર હોઉં, ચાહે પશુશાળામાં હોઉં, ચાહે બાગમાં હોઉં દરેક પળે પ્રતિવેદિક મને પ્રજાની સ્થિતિથી અવગત રાખશે. હું પ્રજાનું કાર્ય દરેક સ્થાને કરીશ. અને જયારે હું કોઈ આજ્ઞા આપું અને તેના અમલ અંગે કોઈ શંકા હોઈ તો ગમે ત્યારે ગમે તે સમયે મારો સંપર્ક કરી શકાશે. ધમ્મના આ સિદ્ધાંતનું પાલન અનિવાર્ય છે.”

રાજા કે શાસકની પ્રજા પ્રત્યેની નિષ્ઠા અને કટીબધ્ધતા “ધમ્મ”ના આ આદેશમાં વ્યક્ત થયા છે. અશોકના “ધમ્મ”ના સિદ્ધાંતોમાં માત્ર ધર્મ નથી. પણ માનવ મૂલ્યોનું જતન છે. તેમાં રાજાની પ્રજા પ્રત્યેની નૈતિક ફરજો છે.

દેવોને પ્રિય રાજા પ્રિય દસ્સી ઈચ્છા કરે છે કે દરેક સંપ્રદાયના લોકો દરેક સ્થાને નિવાસ કરી શકશે. કેમ કે દરેક નાગરિક સંયમ અને ચિત્તની શુધ્ધતા ઇચ્છે. મનુષ્યને  વિવિધ ઈચ્છાઓ અને અનુરાગ છે. તેઓ સંપૂર્ણ કે મહદંશે તેનું પાલન કરે છે. જે ઉદાર છે. પણ જેનામાં સંયમ, ચિત્તની શુધ્ધતા, કૃતજ્ઞતા અને દ્રઢ વિશ્વાસ નથી તેને અધમ માનવમાં આવે છે.”

રાજ્યનો કોઈ પણ નાગરિક ગમે તે વિસ્તારમાં રહી શકે. પણ તે માટેની મુખ્ય શરત સંયમ અને ચિત્તની શુધ્ધતા છે. અને એ વિનાનો માનવી સમાજમાં અધમ છે. પ્રાચીન ભારતની વર્ગ વ્યવસ્થાનો વિરોધ કરતો “ધમ્મ”નો આ સિદ્ધાંત સામાજિક સમાનતાને અભિવ્યક્ત કરે છે. દાનનો મહિમા પણ “ધમ્મ”માં સ્વીકારવામાં આવ્યો હતો. એ અંગે એક શિલાલેખમાં લખ્યું છે,

“દાન આપવું સારું છે. પરંતુ “ધમ્મ”ના દાન અથવા “ધમ્મ”ના અનુગ્રહ જેવું કોઈ દાન નથી. એટલા માટે જ મિત્ર, બંધુ, સબંધીઓ અથવા સહયોગીઓને હંમેશા એ ઉપદેશ આપવો જોઈએ કે આ કાર્ય કરવું જોઈએ. તેના દ્વારા સ્વર્ગ પ્રાપ્ત થાય છે. અને સ્વર્ગ પ્રાપ્ત કરવાથી વિશેષ શું અભિષ્ટ હોઈ શકે ?”

“ધમ્મ”ના સિદ્ધાંતોના પાયામાં માત્ર ધર્મ કરતા પણ મોટો માનવધર્મ રહેલો છે.

દેવોને પ્રિય રાજા પ્રિય દસ્સી એવું કહે છે, કોઈ એવું દાન નથી, જેવું “ધમ્મ”નું દાન છે. કોઈ એવી પ્રશંશા નથી, જેવી  “ધમ્મ”ની પ્રશંશા છે. એવી કોઈ ભાગીદારી નથી, જે  “ધમ્મ”ની ભાગીદારીથી શ્રેષ્ટ છે. એવી કોઈ મિત્રતા નથી, જેવી  “ધમ્મ”ની છે. અને દાસો-સેવકો પ્રત્યે સદ્વ્યવહાર કરો. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરો. મિત્રો, પરિચિતો, સબંધીઓ, શ્રમણો અને બ્રાહ્મણો પ્રત્યે ઉદારતા રાખો. પ્રાણીઓ પ્રત્યે અહિંસા રાખો. પિતા, પુત્ર, સ્વામી, મિત્ર, પરિચિત, સબંધી અને પડોશીને કહો કે સદ્વ્યવહાર એ ઉત્તમ કાર્ય છે. તે કરવા જેવું કાર્ય છે. એ કરવાથી આ લોકમાં સુખ મળે છે. અને  “ધમ્મ” દાન દ્વારા પરલોકમાં તેનું અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે.”

અશોકના  “ધમ્મ”ના આવા વિચારો, આદર્શો કે સિદ્ધાંતો ધર્મની આપણી સામાન્ય પરિકલ્પનાથી વિપરીત છે. અકબરના દિન-એ-ઇલાહીથી વધુ માનવીય અને સામાન્ય જન સાથે જોડાયેલા છે. અને કદાચ એટલે જ અશોકન યુગમાં  “ધમ્મ” ને કાફી સફળતા સાંપડી હતી. પણ ઇતિહાસના પડોમાં આજે  “ધમ્મ” દટાઈ ગયો છે. તેને બહાર આણી આજના સમાજમાં પ્રસરાવવાની તાતી જરૂર નથી લગતી ?

Mehboob Desai

Recent Posts

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…

4 years ago

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…

4 years ago

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…

4 years ago

મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…

4 years ago

દૂરદર્શન, અમદાવાદ :

“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો  ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…

4 years ago

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…

10 years ago