Categories: Uncategorized

વિવેકાનંદજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૨ જાન્યુઆરી ૨૦૧૨ના રોજથી સમગ્ર ભારતમાં સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ ઉજવણી માટે અનેક માર્ગોનું પરામર્શન સમય પૂર્વે જ આરંભી તેની ઉજવણીની ગહનતાનો સ્વીકાર કર્યો છે. આપણા યુવાનોના સંસ્કારોમાં સ્વામી વિવેકાનંદજીના વિચારો-આચારોને આણવાનો આ અવસર સમગ્ર વર્ષ દરમિયાન ક્રિયાશીલ રહેશે. જો કે આપણી શાળા કોલેજોમાં ભણાવતા ઇતિહાસ, સમાજ વિજ્ઞાન, સાહિત્ય, ધર્મ, અધ્યાત્મ વિજ્ઞાન અને સમાજકાર્ય જેવા વિષયોમાં આપણે કયારેય વિવેકાનંદજી, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રાજા રામ મોહન રાય, જેવા મહાનુંભાવોના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે અધ્યાત્મિક વિચારો અને આચારોને અભ્યાસક્રમનો ભાગ બનાવ્યા નથી. પરિણામે આજે તેમની જન્મ જયંતિની ઉજવણી નિમિતે તેમના આચાર વિચારોને યુવા પેઢી સુધી પહોંચાડવા આપણે સક્રિય બન્યા છીએ. અલબત એ જરૂરી પણ છે. સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્મ જયંતીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ઇતિહાસમાં બે દ્રષ્ટિએ ગુજરાતનું મહત્વ નોંધાયેલું છે.
૧. ગુજરાતની સ્વામી વિવેકાનંદજીની દીર્ઘકાલીન મુલાકાત
૨. ગુજરાતની ધરા પર જ શિકાગોની વિશ્વ પરિષદમાં જવાનો વિચાર વિવેકાનંદજીને જન્મ્યો અને વિકસ્યો.
ઈ.સ. ૧૮૯૩ની શિકાગોની વિશ્વ પ્રસિદ્ધ ધર્મ પરિષદમા જતા પૂર્વે વિવેકાનંદજીએ લગભગ છ માસ ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું. ગુજરાતના અમદાવાદ, વઢવાણ, લીમડી, ભાવનગર, શિહોર, જુનાગઢ, ભુજ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, પાલીતાણા અને નડિયાદ જેવા સ્થાનોએ વિવેકાનંદજીના પાવન પગલાઓ પડ્યા હતા. અમદાવાદમાં તેઓ નાયબ ન્યાયાધીશ શ્રી લાલશંકર ઉમિયાશંકરને ત્યાં રહ્યા હતા. શહેરની અંદર આવેલ કિર્તીમંદિરો અને ભવ્ય મસ્જિતોને નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા. અમદાવાદના જૈન સાક્ષરો અને ધર્માચાર્યો સાથે તેમણે ગહન આધ્યાત્મિક ચર્ચાઓ કરી હતી.લીમડીમાં તેઓ લીમડીના રાજા ઠાકોર સાહેબ બેહેમીયાચાંદના મહેમાન બન્યા હતા. લીમડીના રોકાણ દરમિયાન તેમણે ઘણાં પંડિતો સાથે સંસ્કૃતમાં ચર્ચા કરી હતી. જુનાગઢ જતા તેમણે ભાવનગર અને શિહોરની મુલાકાત પણ લીધી હતી. જુનાગઢમા તેમણે રાજ્યના દીવાન શ્રી હરિદાસ વિહરીદાસ દેસાઈની મહેમાનગતિ માણી હતી. સ્વામી વિવેકાનંદજીથી તેઓ એટલા પ્રભાવિત થયા કે રોજ બપોર બાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓને એકત્રિત કરી સ્વામીજી સાથે ધર્મચર્ચા કરતા. આ ધર્મચર્ચા માત્ર હિદુ ધર્મને જ ન સ્પર્શતી પણ ખ્રિસ્તી અને ઇસ્લામને પણ આવરી લેતી. ભુજમાં પણ સ્વામીજી રાજ્યના દીવાનના મહેમાન બન્યા હતા. કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજાને પણ તેઓ મળ્યા હતા.વેરાવળ અને સોમનાથ પાટણની તેમની મુલાકાત પણ અદભૂત હતી. શ્રી કૃષ્ણ ભગવાના દેહોત્સર્ગના સ્થાનની તેમને ખાસ મુલાકાત લીધી હતી. પોરબંદરમાં સુદામા મંદિરના દર્શન કર્યા હતા. એ સમયે પોરબંદરના મહારાજા સગીર હતા. એટલે બધો કારભાર રાજ્યના દીવાન શ્રી શંકર પાંડુરંગજી ચાલવતા હતા. સ્વામીજી દીવાન શંકર પાંડુરંગજીના નિવાસ્થાન ભોજેશ્વર બંગલામાં ઉતર્યા હતા. સ્વામીજી સાથે દીવાન સાહેબ નિયમિત સત્સંગ કરતા. એ સમયે દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલ એક વાત સ્વામીજીના અંતરમાં ઉતરી ગઈ હતી. તેને યાદ કરતા સ્વામીજી લખે છે,

“મને લાગે છે કે આપ આ દેશમાં ખાસ કઈ કરી શકશો નહિ. એના કરતા આપે પશ્ચિમના દેશમાં જવું જોઈએ.ત્યાં લોકો આપના વિચારો અને આપના વ્યક્તિત્વનો વાસ્તવિક પાર પામી શકશે. સનાતન ધર્મનો પ્રચાર કરીને આપ નક્કી પ્રાશ્ચાત્ય સભ્યતાના પ્રવાસ પંથ પર પુષ્કળ પ્રકાશ રેલાવી શકશો”

દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલા આ શબ્દો ભાવીમા ભંડારાયેલી વિવેકાનાદની શીકાગો યાત્રાના સંકેત પડ્યા છે. ગુજરાતની ધરતીમાં તેના મંડાણ થયાની તે સાક્ષી પૂરે છે. વિવિકાનંદજીનું વિશદ ચરિત્ર આલેખનાર સ્વામી ગંભીરાનંદ પણ લખે છે,

“આ દિવસોમાં સ્વામીજી અંતરમાં એક અદભુદ પ્રકારનો ખળભળાટ અનુભવી રહ્યા હતા.તેમને એમ થયા કરતુ કે શ્રી રામ કૃષ્ણએ એકવાર જે વાત કહેલી કે નરેનની અંદર એવી શકતી ભરેલી છે કે જેના જોરે તે જગતને ઉંધુચતુ કરી શકે છે. તે સત્ય થવાના એંધાણ તેમને વર્તાઈ રહ્યા હતા”

આમ ગુજરાતની સ્વામીજીની મુલાકાત દરમિયાન જ શિકાગોની ધર્મસભામાં ભાગ લેવાના બીજ તેમના અંતકરણમા રોપાયા હતા. એ બીજ જુનાગઢ અને પોરબંદરની મુલાકાત પછી અંકુર બની ફૂટ્યા.પોરબંદરની મુલાકાત દરમિયાન જ સ્વામીજીએ બીજા વર્ષે (૧૮૯૩)ભરાનાર વિશ્વ ધર્મ પરિષદમાં જવાના પોતાના વિચારને વ્યક્ત કરતા હરિદાસબાપુને કહ્યું હતું,

“જો કોઈ મારા આવવા જવાનો ખર્ચ આપે તો બધું બરાબર ગોઠવાય જાય અને હું ધર્મ પરિષદમાં જઈ શકું”
આમ ગુજરાતમાં જન્મેલ વિવેકાનંદજીના વિચારને પછી કોઈ માનવ સર્જિત અડચણો સાકાર થતા ન રોકી શકી. ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ વિવેકાનંદજી એ વિશ્વધર્મ પરિષદમા કરેલ સંબોધન “અમેરિકાના ભાઈઓ અને બહેનો” વિશ્વના ઇતિહાસમાં અમર બની ગયું. એ પછી પોતાના વ્યાખ્યાનમાં વિવેકાનંદજીએ હિંદુ ધર્મની સર્વધર્મ સમભાવની નીતિને વ્યક્ત કરતા કહ્યું હતું,

“મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુ અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા છે. અમે સર્વ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા બતાવવામાં માનીએ છીએ. એટલું જ નહિ સર્વ ધર્મો સત્ય છે, એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ”

વિશ્વને આવા વિચારો આપી ભારત અને હિંદુ ધર્મનો વિશ્વમાં જય જયકાર કરનાર સ્વામી વિવેકાનંદને સો સો સલામ.

Mehboob Desai

Recent Posts

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…

4 years ago

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…

4 years ago

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…

4 years ago

મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…

4 years ago

દૂરદર્શન, અમદાવાદ :

“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો  ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…

4 years ago

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…

10 years ago