Categories: Uncategorized

રમઝાનની પાબંદીની પ્રતિજ્ઞાનો દિન : ઈદ : ડો. મહેબૂબ દેસાઈ

ઈદ એટલે પુનઃ પાછી ફરતી ખુશી. અને ઈદ મુબારક એટલે પુનઃ પ્રાપ્ત થયેલ ખુશીની શુભેચ્છા.ઇદના પ્રસંગે દરેક મુસ્લિમને ત્યાં સવારે ખીર બને છે. ખીરએ પવિત્ર ભોજન છે. દૂધ, ખાંડ,સેવ અને સુકો મેવો નાંખી બનાવવામાં આવતી આ વાનગી જીવનમાં પુનઃ મીઠાસ પ્રસરાવવાનો સંદેશ આપે છે.ઈદની નમાઝ સમાનતાનો સંદેશ આપે છે. નમાઝ બાદ મુસાફો (હસ્તધૂનન) કે એકબીજાને ભેટીને વીતેલા વર્ષમાં વ્યાપેલ કડવાશને ભૂલી જઈ મન સ્વચ્છ કરી પુનઃ પ્રેમ,મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે. પણ આ ઇદનો બહુ જાણીતો ઉદેશ છે. ઇદનો એક ગર્ભિત ઉદેશ પણ સમજવા જેવો છે.

અમદાવાદના મારા મિત્રો અહેમદ, મુનાફ,પરવેઝ અબ્દુલ રહેમાન, રહીમ સાથે અંતિમ રોઝાના તરાબીયાહ(રમઝાન માસમાં પઢવાની રાત્રીની નમાઝ)પછી જયારે થોડીવાર માટે મસ્જિત બહાર અમે બધા ઉભા હોઈએ છીએ ત્યારે અહેમદ અચૂક બોલી ઉઠે છે,
“બસ દો દિન બાદ શૈતાન છૂટ જાયેંગે”
તેના આ વિધાનની ગંભીરતા સમજ્યા વગર અમે બધા હસી પડીએ છીએ. પણ તેના આ વિધાન પાછળનો ભાવ સમજવા જેવો છે. શૈતાન એટલે એવું પ્રેરક બળ જે માનવીને ઈબાદત અને મુલ્યનિષ્ઠ જીવનથી દૂર રાખવા પ્રયાસ કરે છે. અને મોટે ભાગે તે સફળ પણ થાય છે. પણ રમઝાન માસમાં અલ્લાહ એવા શૈતાનોને બાંધી દે છે. જેથી દરેક મુસ્લિમ રમઝાન માસમાં સમ્યક આહાર, સમ્યક વાણી, સમ્યક વ્યવહાર અને સમ્યક દ્રષ્ટિને ફરજિયાત અનુસરે છે. એક માસની આવી સંયમિત જિંદગીને કારણે દરેક મુસ્લિમના જીવનમાં પ્રવેશેલ ઈબાદત અને મુલ્યનિષ્ઠ જીવનને ક્ષીણ કરવા રમઝાન માસ પછી શૈતાન પુનઃ સક્રિય બને છે.શૈતાનની એ સક્રિયતાને સમગ્ર વર્ષ દરમિયાન નાથવાની પ્રતિજ્ઞા ઈદની ખુશીના મૂળમા છે. ખુદાએ સમગ્ર રમઝાન માસમાં બક્ષેલ ઇબાદતની રસ્સીને મજબુતીથી સમગ્ર વર્ષ દરમિયાન પકડી રાખનાર જ ઈદની ખુશીનો સાચો હક્કદાર છે. અન્યથા આખું વર્ષ ગુનાહો કર્યે જાવ અને રમઝાન માસમાં તેની માફી માંગી ઇદના દિવસથી ગુનાહોનું નવું ખાતું ખોલાવો, રમઝાન માસ કે ઇદનો એ સાચો ઉદેશ નથી. અને એટલે જ ઈદની ખુશી સાથે દરેક મુસ્લિમે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે એ સમગ્ર વર્ષ દરમિયાન ઈબાદત અને મુલ્ય નિષ્ઠ જીવનને મજબુતીથી વળગી રહેશે. માનવી પામર છે. મનથી નિર્બળ છે. માન-મરતબો, ધન-સંપતિ, સામજિક-આર્થિક વ્યવહારમાં કયારેક તે પોતાના ઈમાનને ભૂલી જાય છે. એવા સમયે ઇદના દિવસે ખુદાની સાક્ષીમાં લીધેલી પ્રતિજ્ઞા તેને સત્યના માર્ગે ચાલવા પ્રેરશે. અને એવી એકાદી પળે પણ એ પોતાના ઈમાનને જાળવી લેશે તો ઇદના દિવસે લીધેલ એ પ્રતિજ્ઞા સાર્થક ગણાશે.

દરેક મુસ્લિમ રમઝાન માસ દરમિયાન ઈબાદત (ભક્તિ) પછી ખુદા પાસે દુઆ માંગે છે. દુવા એટલે ખુદાની રહેમત (કૃપા) માટે વિનંતી. રમઝાન માસની આપણી દુઓં ઇબાદતની એકાગ્રતા પછી માંગવામાં આવે છે. જેથી તેની અસરકારતા વધુ હોઈ છે. અને એટલેજ માનવામાં આવે છે કે રમઝાન માસમાં કરેલી દુવાઓં કબુલ થાય છે. જો આવી જ અસરકારક ઈબાદત આખું વર્ષ કરવામાં આવે. અને એ પછી સમગ્ર વર્ષ દરમિયાન દુવાઓં માંગવામાં આવે, તો ખુદાનો એક પણ બંદો જીવનના સંઘર્ષમા કયારેય પાછો નહિ પડે. પણ એ માટે જરુરુ છે રમઝાન માસ જેવી જ એકાગ્રચિત્ત ઈબાદત અને દુઆ. ઈદની ખુશી સાથે નિયમિત ખુદાની એકાગ્ર ચિત્તે ઇબાદત અને દુવાની પ્રતિજ્ઞા પણ અત્યંત જરૂરી છે.

રમઝાન માસની ઈબાદત મન હદયને શુદ્ધ કરે છે. જયારે રોઝા (ઉપવાસ) શરીરની શુદ્ધિનો માર્ગ છે. સમ્યક આહાર શરીરને નવજીવન અર્પે છે. નવી તાજગી બક્ષે છે. પણ રોઝાની સમાપ્તિ પછી પુનઃ આપણે આપણા શરીરને ખાદ્ય પ્રદાર્થોનું ગોદમ બનાવી દઈએ છીએ. પરિણામે શરીર વ્યાધિઓનું કેન્દ્ર બને છે. એ દ્રષ્ટિએ રમઝાન માસ અધ્યાત્મિક અને ભૌતિક જીવનની પાઠશાળા છે. એ મુજબ આખું વર્ષ જીવવાથી શારીરક કે માનસિક વ્યાધિઓ શરીરને સ્પર્શતી નથી. ઇદના દિવસે આનંદથી ભરપેટ જમો. પણ તેમાં અતિરેક ન કરો. સમગ્ર વર્ષ આહારમાં નિયમિતતા અને સંયમ રાખવાનું શિક્ષણ રમઝાન ની આગવી દેન છે. અને એટલે જ તે આખું વર્ષ પાળવાની પ્રતિજ્ઞા એટલે ઈદ.

આવું સંયમિત જીવન ઇસ્લામના બંદાની સાચી ઓળખ છે. માત્ર દાઢી રાખવી અને પરમાટી (બીન શાકાહારી ભોજન) સેવનએ મુસ્લિમની સાચી ઓળખ નથી. પણ રમઝાન માસ જેવું જ શુદ્ધ મુલ્યનિષ્ટ અને ઇબાદતથી ભરપુર જીવન જ સાચા મુસ્લિમની સામાજિક પહેચાન છે. એ જયારે આખી કોમમાં પ્રસરશે ત્યારે મુસ્લિમ અને ઇસ્લામ પ્રત્યેની અનેક ગેરસમજો આપો આપ દૂર થઈ જશે. અને ત્યારે દરેક મુસ્લિમ સમાજ માટે એક આદર્શ બની જશે. એ દિવસ દૂર નથી .પણ એ માટે રમઝાન માસ જેવી અને જેટલી જ ઈબાદતમા એકાગ્રતા અનિવાર્ય છે. ખુદા એ તરફ દરેક મોમીનને સક્રિય બનાવે એ જ ઇદના ખુત્બના અંતે મારી દિલી દુઆ છે. : આમીન. અને….એ સાથે દરેક હિંદુ મુસ્લિમ વાચકોને હદયના ઊંડાણથી ઈદ મુબારક.

Mehboob Desai

Recent Posts

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…

4 years ago

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…

4 years ago

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…

4 years ago

મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…

4 years ago

દૂરદર્શન, અમદાવાદ :

“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો  ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…

4 years ago

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…

10 years ago