- December 3, 2010
- Posted by: Mehboob Desai
- Category: Uncategorized
મક્કામાં ઈબાદતના અનેક સ્વરૂપો અને તેમાંથી ઝીંદગીના અમુલ્ય પાઠો શીખવાની પણ એક મજા છે. મારી હોટેલ અલ ફિરદોસમા જ ઈબાદતના એક અનેરા સ્વરુપને વ્યક્ત કરતી દાસ્તાન મને જોવા મળી. રોજ સવારે-સાંજે હોટેલના ડાયનિંગ હોલમાં જવા બારમાં માળેથી લીફ્ટમાં નીકળું, ત્યારે ચોથા માળેથી અચૂક એક યુવતી મારી સાથે થઈ જાય. લગભગ ૩૦ વર્ષની તેની વય હશે. ગોળ ઉજળો ચહેરો. પાંચેક ફૂટની ઊંચાઈ અને સહેજ ભારે શરીર. છતાં એક પગે ઠેકતી ઠેકતી તે લીફ્ટમાં દાખલ થાય. હું તેને નજર ચુરાવીની જોઈ લઉં. તેના હાથમાં ન કોઈ ઘોડી હોઈ, ન કોઈ જાતની ટેકણ લાકડી હોઈ. છતાં એક પગે ઠેકતી ઠેકતી તે જબરા આત્મવિશ્વાસ સાથે ડાયનિંગ હોલમાં પ્રવેશતી. પોતાની ડીશ લઈ જોઈતી વાનગી પોતાની ડીશના મૂકી ઠેકતી ઠેકતી ટેબલ પર આવતી અને પોતાના કુટુંબ સાથે અત્યંત ખુશ મિજાજમાં ભોજન કરતી. શરૂઆતમાં તો મને લાગ્યું કે તેના પગે કંઇક વાગ્યું હશે. એટલે તે આ રીતે પોતાની નિત્યક્રિયો કરતી હશે. હંમેશા તેની સાથે ભોજન ટેબલ પર બે પુરુષો અને બે ત્રણ સ્ત્રીઓ જોવા મળતા.એક દિવસ તેની સાથેના એક પુરુષ હોટેલના હોલમાં એકલા બેઠા હતા. મેં તેમને સામે જોઈ સ્મિત કર્યું. તેમણે તેનો સસ્મિત પ્રતિભાવ આપ્યો. એટલે મારી હિમ્મત ખુલી. હું તેમની પાસે પહોંચી ગયો. દુવા સલામ કરી મેં તેમની પાસે સ્થાન લેતા કહ્યું,
“માફ કરજો આપને અંગત પ્રશ્ન પૂછી શકુ ?” તેમણે સસ્મિત સંમતિ આપી.
“તમારી સાથેના બહેનને પગે કઈ વાગ્યું છે ? હું તેમને હંમેશા એક પગે ચાલતા જોવું છું.”
એ ભાઈએ મારા પ્રશ્નના ઉત્તરમાં પોતાનો હાથ હસ્તધૂનન માટે લંબાવતા કહ્યું,
“મારું નામ ઈર્શાદ છે. અમે બેંગલોરના છીએ. જેમની આપ વાત કરો છો તે મારા પત્ની છે.તેનું નામ ફાતેમા છે. અને તેને એક જ પગ છે.”
ઇર્શાદના બેધડક જવાબે મને આઘાત સાથે આશ્ચર્યચકિત કરી મુક્યો. આટલી સુંદર યુવતી અને આવી કરુણ ઘટના. મેં જરા વધુ વિગતો જાણવાના હેતુથી પૂછ્યું,
“આપની શાદી પછી અકસ્માત થયો હશે ?”
“તેને અકસ્માત થયો ત્યારે અમારી સગાઈ પણ નહોતી થઈ. તેના પિતાને ત્યાં એક સ્કુટર અકસ્માતમાં તેના પગને ગંભીર ઈજા થતા તેનો પગ કપાવવો પડ્યો હતો. ”
“અને છતાં આપે તેમનો સ્વીકાર કર્યો ?”
“તે મારા સગા મામાની દીકરી છે. વળી, તેને એક પગ નથી તો શું થયું ? મારા કરતા પણ વધુ સ્ફૂર્તિથી તે ઘરનું દરેક કામ કરે છે. અમે સંપૂર્ણ ખુબ સુખી છીએ. અમારે ત્રણ સંતાનો છે.”
ઇસ્લામમાં મામા- ફઈની દીકરી સાથે નિકાહ કરવાનું સ્વીકારવામાં આવ્યું છે. પણ છતાં ઈર્શાદભાઈની આવી બેબાક વાતે મને ચુપ કરી દીધો. વળી, નમાઝની અઝાન થતા હું પણ નમાઝ માટે નીકળી ગયો. ચારેક દિવસ પછી પુનઃ હોટેલના એ જ હોલમાં ઈર્શાદભાઈ એકલા બેઠા હતા. દુવા સલામ પછી મેં પૂછ્યું,
“કેમ આજે એકલા બેઠા છો ?”
“બધા તવાફ (કાબા શરીફની પરિક્રમા) કરવા ગયા છે.”
“ફાતેમાબહેન તો વ્હીલચેરમા તવાફ કરતા હશે ?”
મારી સામે જોઈ ઈર્શાદભાઈ હસ્યા. પછી બોલ્યા,
“મહેબૂબભાઈ, તમે ફાતેમાને ઓળખતા નથી. શરૂઆતમાં તો મેં તેને અંત્યંત આગ્રહ કરી એકાદ તવાફ વ્હીલ ચેરમા કરાવ્યો. પણ પછી તેણે મને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. અને કહ્યું હું એક પગે ચાલીને જ તવાફ કરીશ. ખુદાએ મને જે હાલતમાં રાખી છે તે જ હાલતમાં હું ખુદાની ઈબાદત કરીશ”
હું ઈર્શાદભાઈની વાત સાંભળી રહ્યો. કાબા શરીફનો એક તવાફ એટલે કાબા શરીફની સાતવાર પરિક્રમા. અને તે પણ અત્યંત ભીડમાં. ભલભલા તંદુરસ્ત માનવીઓ પણ આવી ભીડમાં કાબા શરીફના સાત ચક્કર મારતા હાંફી જાય છે. ત્યારે ફાતેમા એક પગે કાબા શરીફનો તવાફ કરે અને એ પણ કોઈ ઘોડી કે લાકડી વગર ત્યારે તેની ઈબાદત પ્રત્યેની નિષ્ઠા કોઈને પણ સ્પર્શી જાય. હજયાત્રા એ માત્ર કાબા શરીફના સાત ચક્કર નથી. તેની સાથે સફા અને મરવાની ટેકરીઓ વચ્ચે સાત વાર પરિક્રમા કરવાની હોઈ છે. એ સાથે મીના અરફાતમા જવું. અત્યંત ભીડમાં શૈતાનને ત્રણવાર કાંકરી મારવી. વગેરે અનેક ક્રિયાઓ એક પગે કરવી અત્યંત મુશ્કેલ છે. માટે જ ફાતેમાની આવી ઈબાદત મને ઇબાદતની પરાકાષ્ટ સમાન લાગી.
એટલે એ દિવેસે મેં માંરી દુવામાં એક દુવાનો ઉમેરો કર્યો,
“હે ખુદા, અમારા જેવા તંદુરસ્ત માનવીઓની હજ કબુલ કરતા પૂર્વે ફાતેમા જેવા તારા અનેક બંદોની હજ સૌ પ્રથમ તું કબુલ ફરમાવ જે – આમીન”