પ્રમુખ સ્વામીના દીદારનો દિવસ : ડો.મહેબૂબ દેસાઈ

રમઝાન માસનો ૧૯મો રોઝો હતો. વહેલી પરોઢે મેં તહેજ્જુદની નમાઝ અદા કરી.પછી મેં અને મારી પત્ની સાબેરાએ સહેરી( રોઝા પૂર્વેનું ભોજન) કરી. એ પછી ફજરની નમાઝ પઢી હું કુરાને શરીફનું પઠન કરવા બેઠો. ત્યાં સાબેરા બોલી ઉઠી,
“આજે સવારે આઠેક વાગ્યે હિતેશભાઈએ અક્ષરધામમાં આવવા નિમત્રણ આપેલ છે. થોડીવાર માટે આપણે જઈ આવીશું ?”
કુરાને શરીફમાં કહ્યું છે,
“મેં(ખુદાએ) દરેક કોમ માટે એક માર્ગદર્શક ગ્રંથ અને રાહબર મોકલ્યો છે”
અને એટલે જ દરેક ધર્મ અને તેના સંતોને સન્માન આપવામો ચીલો મારા ઘરમાં વર્ષોથી છે. પરિણામે આવા નિમંત્રણો અમને મળતા રહે છે. કુરાને શરીફનું પઠન ચાલુ હોઈ એ ક્ષણે તો મેં કઈ જવાબ ન આપ્યો. પણ કુરાને શરીફનું પઠન પૂર્ણ કરી વાતનો તંતુ સાંધતા મેં કહ્યું, “સારું જઈશું” ત્યારે ભાવનગરના આંગણે પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીજીના ફરી એકવાર દીદારનો મોહ મારા મનમાં ઊંડે ઊંડે પડ્યો હતો. આ પુર્વે પ્રમુખ સ્વામીજી ભાવનગર પધાર્યા ત્યારે મારા મિત્ર ડો. જગદીપ કાકડિયા મને તેમના દીદાર માટે લઈ ગયા હતા. અને ત્યારે મારા તાજા પુસ્તક “ગુજરાતમાં પ્રવાસન”ને તેમણે આશીર્વાદ આપ્યા હતા. એટલે આ વખતે પણ તેમના દીદારની ઈચ્છા તો હતી જ. પણ તેની સંભાવના નહીવત હતી.

અમે લગભગ આઠેક વાગ્યે અક્ષરધામ પહોચ્યા. મંદિર પરિસરની ભવ્યતા અને શિસ્ત મનમોહક હતા. કારપાર્કિંગ માટે સ્વયં સેવકની નમ્રતા અને સહાય કરવાની તત્પરતા મને સ્પર્શી ગઈ. મંદિરના પરિસરના મેદાનમાં જ હિતેશભાઈ અમારી રાહ જોઈને ઉભા હતા. અમને જોઈ તેમના ચહેરાપર આનંદ છવાઈ ગયો. જાણે અમે તેમના મહેમાન હોઈએ તેટલા મીઠા ભાવથી તેમણે અમને આવકાર્ય. અને પછી તે અમને એક મોટા હોલ તરફ દોરી ગયા. લગભગ પાંચેક હજાર ભક્તોથી હોલ ભરાયેલો હતો. બહેનોના વિભાગમાં સાબેરાએ સ્થાન લીધું. જયારે ભાઈઓના વિભાગમાં હું અને હિતેશભાઈ બેઠા. હોલનું વાતાવરણ અત્યંત ભક્તિમય હતુ. મોટા ભવ્ય સ્ટેજ પર પ્રમુખ સ્વામીજી બિરાજમાન હતા. સુંદર ભજનો માઈકમાથી પ્રસરી વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા હતા. થોડીવાર તો હું એ ભક્તિના માહોલમાં ઓગળી ગયો. પણ કમરની તકલીફને કારણે હું ઝાઝું બેસી ન શક્યો. દસેક મીનીટ પછી મેં ધીમેથી હિતેશભાઈને કહ્યું,
“વધારે સમય પલાઠીવાળી મારાથી બેસતું નથી. એટલે હું હોલના પગથીયા પર બેઠો છું”
તેમણે મને સસ્મિત સંમતિ આપી. અને હું હોલ બહાર આવ્યો. હોલ બહારના મેદાનની સ્વછતા અને શિસ્ત ગઝબના હતાં. સ્વયમ સેવકો ખડેપગે તેની તકેદારી રાખતા હતા. આવી જ સ્વછતા અને શિસ્ત મેં મક્કાના કાબા શરીફ અને મદિનાની મસ્જીદએ નબવીમા જોયા હતા. હોલના પગથીયા પર બેઠો હતો ને મારી નજર મારા મિત્ર શ્રી બહ્મભટ્ટ પર પડી. “જય સ્વામિનારાયણ” સાથે અમે એક બીજાનું અભિવાદન કર્યું.
“મહેબૂબભાઈ, તમે અહીંયા કયાંથી ?” એવા આશ્ચર્ય ભાવ સાથે તેઓ મને તાકી રહ્યા. મેં તેમની નવાઈને પામી જતાં કહ્યું,
“રમઝાન માસમાં કોઈ પવિત્ર સ્થાનની મુલાકાત તો લેવી જોઈએ ને”
અને તેમણે સસ્મિત મારા જવાબને વધાવી લીધો. વાતમાંને વાતમાં મેં કહ્યું,
“પ્રમુખ સ્વામીના દીદાર (દર્શન)ની ઈચ્છા છે”
“એમ”
પછી થોડું વિચારીને તેઓ બોલ્યા,”સામે પેલા પડદા દેખાય છે ને ત્યાં ભજન કાર્યક્રમ પછી આવી જજો”

ભજન કાર્યક્રમ પૂર્ણ થતા મેં એ દિશામાં કદમો માંડ્યા. ત્યાં શ્રી.બ્રહ્મભટ્ટ મારા માટે એક પાસ લઈને ઉભા હતાં. મને પાસ આપતા કહ્યું, “ આ પાસ સ્વામીજીના ખંડમાં જવાનો છે. અંદર સ્વયમ સેવકો આપને દોરશે” અને હું તેમને અહોભાવની નજર તાકી રહ્યો. અને એ પછી મેં ખંડ તરફ પગ માંડ્યા. અંદર પ્રવેશતા જ પ્રથમ મારું મેડીકલ ચેકિંગ થયું. એ પછી મને એક ફોર્મ ભરવા આપવામાં આવ્યું. ફોર્મ ભરીને મેં આપ્યું એટલે મારા હાથને જંતુ નાશક પ્રવાહીથી સ્વચ્છ કરવામાં આવ્યા. આટલી તેક્દારી પછી ધબકતા હદયે મેં ખંડમા પ્રવેશ કર્યો. ૯૦ વર્ષના પ્રમુખ સ્વામીજી સંપૂણ આધુનિક વ્હીલચેર પર બેઠા હતા. વ્હીલચેર પર સરકતા સરકતા જ સૌને આશીર્વાદ આપતા હતા. મારો વારો આવ્યો એટલે મેં તેમને પ્રણામ કરી કહ્યું ,
“મારું નામ પ્રોફેસર મહેબૂબ દેસાઈ છે. પવિત્ર રમઝાન માસમાં આપના જેવા મહાઆત્માના દર્શન અને આશીર્વાદ માટે આવ્યો છું”
મારા પરિચયથી પ્રમુખ સ્વામીના ચહેરા પર સ્મિથ પથરાય ગયું. મારા ખભાને સ્પર્શ કરતા અત્યંત ધીમા સ્વરે તેઓ કંઇક બોલ્યા. તેમના એ શબ્દો મને બરાબર સંભળાય નહિ. આશીર્વાદની ક્રિયા પૂર્ણ થઈ છે એમ માની હું ચાલવા માંડ્યો. એટલે તેમણે તેમનો હાથ ઉંચો કરી મને પાછો બોલ્યો. અને સંભળાય તેવા સ્વરે બોલ્યા,
“ખુબ સુખી થાવ. સમૃદ્ધ થાવ. અને સમાજ માટે ખુબ કાર્ય કરો”

આસપાસના ભક્તો આ આશીર્વાદનો વરસાદ આશ્ચર્ય ચકિત નજરે જોઈ રહ્યા. આવી ઘટનાથી મોટે ભાગે તેઓ ટેવાયા ન હતા. કારણ કે પ્રમુખ સ્વામી દર્શનાર્થીને પુનઃ બોલાવી ક્યારેય કઈ કહેતા નથી. વળી, અત્યારે તેમની તબિયત પણ નાદુરસ્ત હતી. આમ છતાં એક મુસ્લિમ પર સસ્મિત આશીર્વાદનો વરસાદ વરસાવી પ્રમુખ સ્વામીએ એક મહાઆત્માની સરળતાને સાકાર કરી હતી. હું તેમની આ પ્રસાદી સાથે પ્રસન્ન ચિત્તે બહાર આવ્યો. પણ ત્યારે મારું હદય મહાઆત્માના અનાયાસે પ્રાપ્ત થયેલ ભરપુર આશીર્વાદથી છલકાઈ ગયું હતુ.



error: Content is protected !!