Categories: Uncategorized

નૈતૃત્વ કૌશલ્ય અને ઇસ્લામ : ડૉ.મહેબૂબ દેસાઈ

લીડરશીપ અર્થાત નૈતૃત્વ કૌશલ્ય અંગેના લક્ષણોની ચર્ચા મેનેજમેન્ટના ગ્રંથોમાં વિશદ રીતે આપવામાં આવી છે. પણ તેની ચર્ચા કરવાનો અત્રે ઉપક્રમ નથી. ઇસ્લામિક સાહિત્યમાં તે અંગે આપવામાં આવેલા અવતારણો, ઉલ્લેખો અને ઉદાહરણોની થોડી વાત કરવી છે. અબુ દાઉદની એક હદીસમાં કહ્યું છે,
“જો પ્રવાસમાં ત્રણ વ્યક્તિઓ સાથે હોય તો તેમાંથી એકને તેનું નૈતૃત્વ સોંપવું જોઈએ”
એક તબરાની હદીસમાં કહ્યું છે,
“પ્રજાના નેતા પ્રજાના સેવક છે.”
ઇસ્લામ અને મેનેજમેન્ટ નામના ગ્રન્થના લેખક ડૉ. નિક્યુર જબનોયુમ ઇસ્લામિક નૈતૃત્વના લક્ષણોને આલેખતા લખે છે,
“ઇસ્લામિક નૈતૃત્વ કરનાર વ્યક્તિ, લેવા કરતા પ્રજાને વધુ આપવામાં ખુશ થાય છે. એ અર્થમાં તેઓ પ્રજાના સાચા સહાયક છે.” એનું ઉત્તમ ઉદાહરણ હઝરત મહંમદ (સ.અ.વ.) અને ઇસ્લામના ચાર ખાલીફાઓ છે. જેમણે ઇસ્લામિક શાશન દરમિયાન પ્રજાના હિતોનું ભરપુર પોષણ કર્યું હતું. તેમનું સાદું અને સરળ જીવન પ્રજા માટે આદર્શરૂપ હતું. તેમની સરળ પણ અસરકાર સલાહો પ્રજામાં અત્યંત લોકપ્રિય બની હતી. એકવાર એક વ્યક્તિએ હઝરત ઉમર પાસે અન્ય કોઈ વ્યક્તિની પ્રશંશા કરી. ખલીફા હઝરત ઉમરે શાંતિથી સાંભળી પૂછ્યું,
“તમારે તેની સાથે કયારેય કોઈ કામ પડ્યું છે ?”
પેલાએ કહ્યું, “ના”
આપે પૂછ્યું, “કયારેય મુસાફરીમાં પણ સાથે રહ્યા છો ?” પેલાએ કહ્યું, “ના”
એ સાંભળી હઝરત ઉમરે ફરમાવ્યું, “ એટલે તમે એવી વ્યક્તિની વાત કરો છો જેને તમે ઓળખતા જ નથી. કયારે અજાણ્યા માનવી માટે કોઈ અભિપ્રાય ન આપશો”
હઝરત ઉમર સાદગી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ હતા. તેમના કપડા હંમેશા થીગડાંઓથી ભરપુર રહેતા.પણ તેના પ્રત્યે કયારે તેમનું ધ્યાન ન જતું. એકવાર એક પ્રાંતનો ગવર્નર તેમને મળવા આવ્યો. તેણે અત્યંત મૂલ્યવાન વસ્ત્રો, અત્તર અને ખુશબુદાર તેલ વાળમાં નાખ્યા હતા. એ જોઈ હઝરત ઉમર ખુબ નારાજ થયા. અને તુરત તેમના કિંમતી વસ્ત્રો ઉતરાવી તેમને મોટો સાદો ઝ્ભો પહેરાવી દીધો અને પછી ફરમાવ્યુ,
“સમાજના સેવકોની સાદગી સમાજ માટે પ્રેરણા હોય છે.”
હદીસ બુખારી શરીફમાં પણ એક આવી જ ઘટના આલેખવામાં આવે છે. જેમાં લખ્યું છે,
“હઝરત ફારુખે એક જોડ વિચાર રેશમી કપડા જોયા. તેમણે મહંમદ સાહેબને કહ્યું,’આપ તેને ખરીદી લો જુમ્માના દિવસે તે પહેરજો. એ દિવસે કોમના પ્રતિનિધિઓ આપને મળવા આવે છે.’ મહંમદ સાહેબે એ સાંભળી ફરમાવ્યું, ‘ આવા કપડા એવા લોકો પહેરે છે જેને આખિરતમાં કોઈ હિસ્સો નથી. ખુદાને ત્યાં તેને કોઈ જ સ્થાન નથી.’
આદર્શ નેતા તેના અનુગામીના વિચારોને સાંભળે છે. તેની ભૂલોને સુધારે છે. અને તેનું ઘડતર કરે છે. જેથી તેની ગેરહાજરીમાં પણ ઉદેશની પૂર્ણતાનું કાર્ય અવિરતપણે ચાલતું રહે. મહંમદ સાહેબ (સ.અ.વ.)એ પોતાના અનુગામીની ભૂલોને સુધારી પોતાના અનુગામીઓને ઘડ્યા હતા. અને તેમને સત્તાના સુત્રો સોંપ્યા હતા. તેનું ઉત્તમ ઉદાહરણ ઇસ્લામના ચાર ખાલીફાઓ હઝરત અબુ બક્ર, હઝરત ઉમર, હઝરત ઉસ્માન અને હઝરત અલી છે. જેમના શાસનકાળ દરમિયાન ઇસ્લામના વિચારો વિશ્વભરમાં પ્રેમ અને એખલાસના સંદેશ સાથે પ્રસરતા રહ્યા હતા.
એ જ રીતે આદર્શ નેતા કે લીડર પોતાન નિર્ણયને પોતાના કર્મચારી કે પ્રજા ઉપર કદાપી લાદતા કે થોપતા નથી. હઝરત ઉમરના ખલીફા તરીકેના સાડા દસ વર્ષના શાસનકાળ દરમિયાન તેમણે કયારેય કોઈ આદેશ આપ્યો ન હતો. જયારે પણ કોઈ નિર્ણય આપવાનો થતો ત્યારે તેઓ અત્યંત નમ્ર સ્વરેપોતાના મંત્રીઓ કે પ્રજાને કહેતા,
“આ અંગે મારો નમ્ર અભિપ્રયા એ છે કે ……”
અને પછી પોતાનો એ વિચાર રજુ કરતા. અને તેમનો એ વિચાર મંત્રીઓ કે પ્રજા માટે આદેશ બની જતો. તેમના આ વ્યવહારમાં તેમની સત્તા કરતા લોકોને સાથે રાખીને ચાલવાની તેમની નીતિ લોકોને સ્પર્શી જતી હતી. શક્તિશાળી અને વિશ્વાસપાત્ર વ્યક્તિ કોઈ પણ સંસ્થા માટે જણસ સમાન હોય છે. એ જ બાબત પર ભાર મુક્તા કુરાને શરીફમા કહ્યું છે,
“એવા માનવીને નોકરીએ રાખો જે શક્તિશાળી અને વિશ્વાસપાત્ર હોય,” અહીંયા શક્તિનો અર્થ શારીરિક બળ નથી. શક્તિ અર્થાત નૈતિકબળ. આત્માબળએ દરેક નેતાનું આગવવું લક્ષણ છે. એ જ રીતે સમાજ કે સંસ્થામા કાર્ય કરનાર દરેક માનવીના વ્યવહાર વર્તનની અસર સમગ્ર સમાજ પર થતી હોય છે. અને એટલે જ નૈતૃત્વ કરનાર માનવીનું અન્ય સાથેનું વર્તન હંમેશા માન અને માનવતા પૂર્ણ હોવું જોઈએ. હદીસ બુખારી શરીફમાં આ અંગે કહ્યું છે,
“જે માનવી પોતાની બિરાદરી સાથે માન અને માનવતા પૂર્ણ સંબંધો જાળવી રાખે છે, તેને ખુદા પોતાની સાથે રાખે છે.”
આજે લીડરશીપ કે નૈતૃત્વ કૌશલ્ય માત્ર રાજકારણનો વિષય નથી રહ્યો. વેપાર ઉદ્યોગમાં પણ તેનો સૈધાંતિક વિકાસ થયો છે. ઇસ્લામમાં પણ વેપારના વિકાસમાં નૈતૃત્વ શક્તિઓ સ્વીકાર થયો છે. ખુદ મહંમદ સાહેબ મૂલ્યનિષ્ઠ સફળ વેપારી હતા. કુરાને શરીફમાં પણ વેપારની નૈતૃત્વ શક્તિ માટે
માર્ગદર્શક આદેશો આપવામા આવ્યા છે.
“તારા વેપારના વિકાસ માટે અનૈતિક માર્ગો ન અપનાવીશ. ત્રાજવાની દાંડીને ઠેસ તારી બાજુ કદાપી ન નમાવીશ”
આવા અનેક આદેશો ઇસ્લામમાં નૈતૃત્વ શક્તિના વિકાસ માટે આપવામાં આવ્યા છે. બસ આપણે તેનો અમલ માત્ર કરવાનો છે. એ માટે ખુદા-ઈશ્વર આપણને શક્તિ આપે-આમીન.

Mehboob Desai

Recent Posts

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…

4 years ago

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…

4 years ago

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…

4 years ago

મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…

4 years ago

દૂરદર્શન, અમદાવાદ :

“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો  ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…

4 years ago

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…

10 years ago