Categories: Uncategorized

ધંધુકાના સુન્ની મુસ્લિમ દેસાઈ”: ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતમાં મુસ્લિમ શાસકોના આગમન પૂર્વે પણ આરબ વેપારીઓનો ગુજરાતના દરિયા કિનારા સાથેનો સંપર્ક જળવાઈ રહ્યો હતો.ખંભાત અમે ઘોઘા જેવા પ્રાચીન બંદરો પર આરબ વેપારીઓ જહાંજોમાં માલ ભરીને આવતા. આવા વેપારીઓને કારણે જ ગુજરાતના બંદરો ઉપર ઇસ્લામિક સંસ્કૃતિ અને સભ્યતાનો પ્રચાર છેક પ્રાચીન સમયથી થયો હતો. તેનું ઉમદા દ્રષ્ટાંત ઘોઘામાં આવેલ આઠમી સદીની સૌથી પ્રાચીન મસ્જિત છે. જે આજે પણ પ્રાચીન સમયના હિંદુ-મુસ્લિમ સંબંધોની યાદ આપતી ખંડેર હાલતમાં હયાત છે. એ દરમિયાન મુસ્લિમ સંતો અને મુસ્લિમ શાસકોએ ઇસ્લામના ઉમદા સિદ્ધાંતોને સહારે ઇસ્લામનો ફેલાવો ગુજરાતમાં કર્યો હતો. પરિણામે ગુજરાતમાં અનેક જાતિઓએ  સ્વેચ્છાએ ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. તેમાં સ્વેચ્છાએ ઇસ્લામનો અંગીકાર કરનાર “દેસાઈ”અટક ધરાવતા ધંધુકાના મુસ્લિમ સુન્ની વહોરાઓ નોંધપાત્ર છે.

મુસ્લિમ દેસાઈ અટકને આજે પણ હિંદુ સમાજ અચરજની નજરે જુએ છે. કારણે કે મુસ્લિમ સમાજમાં “દેસાઈ” અટક મોટે ભાગે જોવા મળતી નથી.તેથી તેઓ આવી દેસાઈ અટક ધરાવતા મુસ્લિમોને વટાળવૃતિનો ભોગ બનેલા હિંદુઓ તરીકે ઓળખે છે. પણ તે સાચું નથી. વટાળવૃતિમાં ભય અને બળનું તત્વ સમાયેલું હોય છે. જયારે સ્વેચ્છાએ ઇસ્લામ અંગીકાર કરવામાં ઇસ્લામ પ્રત્યેનો આદર અને પ્રેમ વ્યક્ત થાય છે. ઐતિહાસિક આધારોએ સિદ્ધ કર્યું છે કે દેસાઈઓએ સ્વેચ્છિક રીતે ઇસ્લામ અંગીકાર કર્યો હતો. દેસાઈ અટકની ઉત્પતિ અંગે ઇતિહાસમાં કોઈ સ્પષ્ટ નિર્દેશો જોવા મળતા નથી.પણ તેના શબ્દાર્થને ધ્યાનમાં રાખી તેનું અર્થઘટન કરવામાં આવેલ છે. એ મુજબ “દેસાઈ”નો અર્થ રાજ્યની સેવા બદલ રાજ્યેએ આપેલ બક્ષિશનો માલિક. અથવા રાજ્યની સેવા બદલ રાજ્ય દ્વારા મળતું વર્ષાસન. એ સંદર્ભે દેસાઈ અટક દેસાઈ સમાજના મુસ્લિમ શાસકો સાથેના મીઠાં સંબધો સૂચવે છે. ટૂંકમાં રાજ્ય તરફથી મળેલ બક્ષિશ કે વર્ષાસન મેળવનારને દેસાઈ કહેવામાં આવતા.મોઘલ સમયમાં આવી દેસાઈગીરી મેળવનારા મુસ્લિમો અસ્તિત્વમાં આવ્યા હતા. “દેસાઈગીરી” મેળવનારા પ્રજાએ મોઘલ બાદશાહ જહાંગીરના સમયમાં ઇસ્લામનો સ્વેછીક અંગીકાર કર્યાના આધારો સાંપડે છે.

ઈ.સ. ૧૬૧૭ના ડિસેમ્બર માસમાં જહાંગીર ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. ઈ.સ. ૧૬૧૭ ડીસેમ્બર થી ઈ.સ. ૧૬૧૮ ઓક્ટોબર સુધી તે ગુજરાતમાં રોકાયો હતો.તેની સાથે શાહજહાંની બેગમ મુમતાઝ પણ ગુજરાતમાં આવી હતી. જેણે ૨૪ ઓક્ટોબર ૧૬૧૮ના રોજ ઔરંગઝેબને જન્મ આપ્યો હતો.

બાદશાહ જહાંગીરના ગુજરાતમાં રોકાણ દરમિયાન તેણે રાજ્યના અનેક વફાદાર સેવકોની સેવાને બિરદાવી તેમને જાગીરો, જમીનો તથા ઇનામ ઇકરામ આપ્યા હતા. એટલે કે તેમને “દેસાઈગીરી” બક્ષી હતી. આ દેસાઈગીરી મેળવનારા કેટલાક લોકોએ જહાંગીરની મહોબ્બત અને ઇસ્લામના ઉમદા સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. એ રીતે સુન્ની વહોરા સંપ્રદાયના “દેસાઈ”ઓ અસ્તિત્વમાં આવ્યા હતા. ગુજરાતના મુસ્લિમો પર ઊંડું સંશોધન કરનાર શ્રી કરીમમહમંદ માસ્તર તેમના પુસ્તક “મહા ગુજરાતના મુસલમાનો”માં નોંધે છે,

“ધંધુકા, કાવી અને જંબુસરના કેટલાક સુન્ની વહોરાઓ મૂળ “રાવળિયા” હતા.”

રાવળિયા એટલે રાજકીય સબંધ ધરાવનાર. રાવળિયા શબ્દ પરથી રાવલ શબ્દ ઉતરી આવ્યો છે. દેસાઈઓ મુસ્લિમ શાશકોના વફાદાર સેવકો હતા. એટલે જ મુસ્લિમ શાસકોએ તેમને ઇનામ-ઇકરામ આપી દેસાઈગીરી આપી હતી. એ બાબત દેસાઈઓના મુસ્લિમ શાસકો સાથે મીઠાં રાજકીય સબંધો વ્યક્ત કરે છે. પરિણામે તેમને રાવળિયા કહેવામાં આવ્યા હતા.

શ્રી કરીમમહંમદ માસ્તર દેસાઈ આ અંગે આગળ લખતા કહે છે,

“ધંધુકામાં દેસાઈની અટક ધરાવતા કેટલાક સુન્ની વહોરા કુટુંબો ગામડાના સમાન્ય વહોરાથી નિરાલા છે. અલગ છે. દેસાઈ કુટુંબના મૂળ પુરુષ રાજપૂત હતા અને જહાંગીર બાદશાહના વખતમાં સ્વેચ્છાએ મુસ્લિમ થયા હતા.બાદશાહની એ વખતની સનદ હજુ તેમના કુટુંબોએ જાળવી રાખી છે.”

 દેસાઈ સુન્ની વહોરાઓના રીતરીવાજો, પહેરવેશ અને ભાષા પર ગુજરાતીપણાની ઘાડ અસર જોવા મળે છે. જેમાં તેમના ગુજરાત પ્રદેશ સાથેના મૂળભૂત સંસ્કારો જોઈ શકાય છે. દેસાઈઓ ઘરમાં ગુજરાતી ભાષા જ બોલે છે. તેમના પહેરવેશમાં સ્ત્રીઓ મોટે ભાગે સાડી પહરે છે. જયારે પુરુષો સામાન્ય ગુજરાતી પોષકને પ્રાધાન્ય આપે છે. આ ઉપરાંત દેસાઈના લગ્ન પ્રસંગોમાં પણ ગુજરાતી સંસ્કારો જોવા મળે છે. જેમ કે ઇસ્લામમાં મામેરું વગાડવાનો રીવાજ નથી. પણ દેસાઈઓના લગ્નમાં તે જોવા મળે છે. દેસાઈઓ મોટે ભાગે લગ્ન સબંધો દેસાઈઓમાં જ કરવાનું પસંદ કરે છે.  તેઓ મોટે ભાગે કન્યા બહારથી લાવતા નથી કે કન્યા બહાર આપતા નથી. જો કે બદલાયેલા આધુનિક સમયમાં આ નિયમને દેસાઈઓ વળગી રહ્યા નથી.મલેક, શેખ વહોરા જેવી મુસ્લિમ જાતિઓમાં લગ્ન સંબધો બાંધવાનો સિલસિલો હવે શરુ થયો છે.

કરીમ મહંમદ માસ્તર આગળ લખે છે,

“એક વર્ગ તરીકે તેમનું ભાવી ઉજળું છે. તેમનામાં કેટલાક તેમના છોકરાઓને અંગ્રેજી કેળવણી આપતા થયા છે. હવે તો એ સમાજમાં યુનિવર્સિટીની દરેક પદવી ધરાવતા યુવક યુવતીઓ જોવા મળે છે”

આજે તો દેસાઈ કુટુંબમાં શિક્ષણનું પ્રમાણ સ્ત્રી અને પુરુષો બંનેમાં એંસી ટકા જેટલું વધ્યું છે.દેસાઈઓની આજની પેઢીમાં શિક્ષિત વેપારીઓ, દાક્તરો, વકીલો, શિક્ષકો, પ્રોફેસરો, સરકારી કર્મચારી અને ઉચ્ચ અધિકારીઓનો મોટો ફાલ જોવા મળે છે. ધંધુકા જેવું નાનકડું ગામ છોડીને ગુજરાતના મોટા ભાગના શહેરોમાં વસેલા દેસાઈઓ આજે પોતાના સમાજ સાથે રાજ્ય અને રાષ્ટ્રની સેવામાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

(તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અભિનંદન ગ્રંથ “ડો. મહેબૂબ દેસાઈ :વ્યક્તિત્વ અને વાડ્મય”સંપાદકો : એમ. જે. પરમાર અને અન્ય, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદમાંથી સાભાર)

Mehboob Desai

Recent Posts

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…

4 years ago

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…

4 years ago

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…

4 years ago

મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…

4 years ago

દૂરદર્શન, અમદાવાદ :

“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો  ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…

4 years ago

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…

10 years ago