ગાંધીજીની આશ્રમ ભજનાવલી : ડૉ. મહેબૂબ દેસાઈ

જાન્યુઆરી માસ પ્રજાસત્તાક દિન અને ગાંધીજીની શહાદત માટે જાણીતો છે. ૨૬ જાન્યુઆરીના  પ્રજાસત્તાક દિનની ઉજવણીના આનંદ પછી તુરત ૩૧ જાન્યુઆરીએ આવતી ગાંધીજીની પુણ્યતિથી આપણને દુઃખી કરી મુકે છે. એ દિવસે ગાંધીજી પોતાના વિચારો, આદર્શો અને આચરણમાં મુકાયેલા સત્યોને કારણે શહીદ થયા. તેમની શહીદીના સમાચાર માત્રથી ભારતનો દરેક નાગરિક દુઃખના દરિયામાં ડૂબી ગયો. ચોધાર આંસુઓથી ખરડાઈ ગયો. સૌ નાનામોટા નેતાએ પોતાની લાગણીને અંજલીના શબ્દોમા ઢાળી, તેમની શહાદતને બિરદાવી. પણ એક નાનકડા શાયરે ગાંધીજીને અંજલી આપતા બે લાઈનો કહી. તે તેમના સમગ્ર વ્યક્તિત્વને સાકાર કરતી હતી. મજાજ લખનવી નામના એ શાયરે  ગાંધીજીની શહાદતને બિરદાવતા કહ્યું હતું,

“ન હિંદુ ચલા ગયા,

 ન મુસલમાન ચલા ગયા

 ઇન્સાનિયત કી જુસ્તજુ મેં

 એક ઇન્સાન ચલા ગયા”

અર્થાત, ગાંધીજી કર્મે ન હિંદુ હતા, ન મુસલમાન હતા. પણ સાચા અર્થમાં તેઓ એક મહામાનવ હતા, જે માનવતાની સ્થાપનાનાનો સંધર્ષ કરતા કરતા શહીદ થઇ ગયા. ગાંધીજીએ દરેક ધર્મનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો. અને તેમાંથી ઉમદા સિદ્ધાંતોને તેમણે જીવનમાં અને આશ્રમના આચરણમાં અપનાવ્યા હતા. ગાંધીજી જીવનમાં પ્રાર્થનાને અતિ મહત્વની માણતા હતા. તેઓ કહેતા,

“જેમ શરીર માટે ખોરાક આવશ્યક છે, તેમ જ આત્મા માટે પ્રાર્થના આવશ્યક છે.માણસ ખોરાક વગર ઘણા દિવસ ચલાવે, પણ પ્રાર્થના વિના ક્ષણ વાર પણ ન જીવી શકાવું જોઈએ…મને તો શંકા નથી કે, આજે આપણું વાતાવરણ કજિયા, કંકાસ અને મારામારીથી ભરેલું છે, તેનું કારણ એ છે કે આપણામા સાચી પ્રાર્થનાની ભાવના નથી… જો તમારે વિદ્યાર્થીઓએ શુદ્ધ ચારિત્ર અને ચિત્તશુદ્ધિ ઉપર તમારી કેળવણીનો પાયો નાખવો હોય, તો નિત્ય નિયમિત પ્રાતઃકાળે અને સંધ્યાકાળે પ્રાર્થના જેવો સરસ ઉપાય બીજો એકે નથી”

અને એટલેજ ગાંધીજીએ આશ્રમવાસીઓ માટે એક ખાસ પ્રાર્થના ભજનાવલી તૈયાર કરી હતી.તે આશ્રમ ભજનાવલીની સર્વ ધર્મ પ્રાર્થનાઓ જાણવા અને માણવા જેવી છે. આશ્રમમાં નિયમિત સવારે પ્રાર્થનામા એ ભજનો ગવાતા. જેમાં કે વૈદિક પ્રાર્થનાનોના શબ્દો હતા,

 

“લે જા અસત્ય સે સત્ય કે પ્રતિ

 લે જા તમસ સે જ્યોતિ કે પ્રતિ

 મૃત્યું સે લે જા અમૃત કે પ્રતિ

 ચલે સાથ ઔર બોલે સાથ

 દિલ સે હિલ મિલ જીયે સાથ

 અચ્છે કર્મ કરે હમ સાથ

 બેઠકે સાથ ભજે હમ નાથ

 હો સંકલ્પ સમાન સમાન

 હો જન જન કે હદય સમાન

 સબ કે મનમેં ભાવ સમાન

 નિશ્ચય સબ હો કાર્ય સમાન” 

એજ રીતે જૈન પ્રાર્થનામા ગવાતું,

“ક્ષમા મેં ચાહતા સબસે

 મૈ ભી સબકો કરું ક્ષમા

 મૈત્રી મેરી સભી સે હો

 કિસી સે બેર નહિ હો”

બૌદ્ધ પ્રાર્થના પણ આશ્રમમા અવશ્ય થતી. જેમાં ગવાતું,

“જીતો અક્રોધ સે ક્રોધ

 સાધુત્વ સે અસાધુત્વ

 કંજુસી દાન સે જીતો

 સત્ય સે જુઠવાદીતા

 બેર સે ન કદાપી

 મિટતે બેર હૈ નહિ

 મૈત્રી હી સે મિટે બેર

 યહી ધર્મ સનાતન”

ઈસાઈ પ્રાર્થના પણ મુલ્યોના સમાગનું ઉત્તમ ઉદાહરણ હતી.

“શાંતિ કા વાદ્ય બના તું મુઝે પ્રભુ

 હી તિરસ્કાર જહાં કરું સ્નેહ

 હો હમલા તો ક્ષમા કરું મે…..શાંતિ કા

 

હો જહાં ભેદ અભેદ કરું

હો જહાં ભૂલ મૈ સત્ય કરું…..શાંતિ કા

 

હો સંદેહ વહાં વિશ્વાસ

ઘોર નિરાશા વહાં કરું વાસ…..શાંતિ કા

 

હો અંધિયાર વહાં પે પ્રકાશ

હો જહાં દુઃખ ઉસે કરું હાસ…..શાંતિ કા

 

કુરાને શરીફમા સૌ પ્રથમ આયાત “અલ્હમ્દો લીલ્લાહે રબ્બીલ આલમીન” છે. તેનું પણ સુંદર કાવ્યત્મક પ્રાર્થનામાં રૂપાંતર ગાંધીજીની આશ્રમ ભજનાવલીમા કરવામાં આવ્યું છે. એ ઇસ્લામિક પ્રાર્થના તરીકે આશ્રમમાં નિયમિત ગાવામાં આવતી. ઇસ્લામના અનુયાયીઓએ તે જાણવા અને અપનાવવા જેવી છે.

“દયાવાન કો કરું પ્રણામ

 કૃપાવાન કો કરું પ્રણામ

 વિશ્વ સકલ કા માલિક તું

 અંતિમ દિન કા ચાલક તું

 તેરી ભક્તિ કરું સદા

 તવ અવલંબન રહો સદા

 દિખા હંમે તું સીધી રાહ

 જીન પર તેરી રહમ નિગાહ

 એસો કી જો સીધી રાહ

 દિખા હંમે વહ સીધી રાહ

 જિન પર કરતા હૈ તું ક્રોધ

 ભ્રમિત હુએ યા હૈ ગુમરાહ

 ઉનકે પથ કા લું નહિ નામ

 દયાવાન કો કરું પ્રણામ”

ગાંધીજીની સર્વધર્મ સમભાવની ભાવના આ ભજનોમાંથી નીતરે છે. જે ભારતનું સાચું અને આદર્શ ચિત્ર સર્જવામાં આપણે અવશ્ય ઉપયોગી થઇ પડશે એ જ પ્રાર્થના- આમીન



error: Content is protected !!