Categories: Uncategorized

કેટલાક ફતવાઓની ભીતરમાં : ડૉ.મહેબૂબ દેસાઈ

હાલ ઇસ્લામિક ફતવાઓની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ઇસ્લામમાં મુસ્લિમ સ્ત્રીઓ નોકરી ન કરી શકે. સ્ત્રીઓની આવક સ્વીકારવી હરામ છે. વીમો લેવો ઇસ્લામિક કાનુન પ્રમાણે અયોગ્ય છે. ઇસ્લામના અનુયાયીઓ પોતાનો જન્મ દિવસ ઉજવી ન શકે. આવા ફતવાઓ આજે મુસ્લિમ અને ગેરમુસ્લિમ બુદ્ધીજીવીઓમા ચર્ચાનો વિષય બન્યા છે. ફતવો ઉર્દૂ ભાષાનો શબ્દ છે. જેનો અર્થ થાય છે ધાર્મિક આદેશ કે હુકમ. ફતવાનો મૂળભૂત ઉદેશ ઇસ્લામના અનુયાયીઓને ઇસ્લામિક નીતિ નિયમો અન્વયે ઉત્પન થતી ગેરસમજોનું નિરાકરણ કરવાનો છે. કોઈપણ ફતવો સમાજ કે વ્યક્તિના વિકાસ કે સ્વાતંત્રને રૂંધવા માટે નથી આપવામા આવતો. ઇસ્લામના નિયમો પણ તેના અનુયાયીઓની સમસ્યાનું નિરાકરણ કરવામાં અને ઇસ્લામને સરલ માનવધર્મ બનાવવા પર વિશેષ ભાર મુકે છે. ઇસ્લામમાં પાંચ સમયની નમાઝ ફરજીયાત પઢવાનો આદેશ છે. આમ છતાં તેમાં પણ માનવીય અભિગમનો ઇસ્લામે સ્વીકાર કર્યો છે.માંદગી અને પ્રવાસમાં નમાઝમાંથી મુક્તિ આપવાનો ઇસ્લામે સ્વીકાર કર્યો છે. આવા માનવીય અભિગમના માલિક ઇસ્લામમાં ઉપર મુજબના ફતવો સાચ્ચે જ નવાઈ પમાડે છે. વળી, ઉપરના કેટલાક ફતવા તો ઇસ્લામિક હદીસોની અવગણના કરતા લાગે છે. હઝરત મોહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ જેમની સાથે પ્રથમ નિકાહ કર્યા, તે હઝરત ખદીજા મક્કાના મોટા વેપારી હતા. તેમના પિતા ખુવેલિદ હાસદ મક્કાના શાહ સોદાગર હતાં. તેમને પુત્ર ન હતો. માત્ર એક પુત્રી ખદીજા જ હતા. એ સમયે પિતા ખુવેલિદ હાસદનો વેપાર સીરીયા,ઈરાક અને અરબસ્તાનમાં પ્રસરેલો હતો. હઝરત ખદીજાએ પિતાનો વેપાર બખૂબી સંભાળી લીધો અને તેમાં ખુબ સફળ રહ્યા. સાડા બારસો વર્ષો પૂર્વે ઇબ્ને હિશામનીએ લખેલ મોહંમદ સાહેબના વિશદ જીવનચરિત્રમાં હઝરત ખદીજાના એ પાસાને વર્ણવતા લખવામાં આવ્યું છે,
“ખદીજા બિન્તે ખુવેલીદ મક્કાના એક વખણાયેલા શરીફઝાદી હતાં. ઊંચા કુળના એક સંસ્કારી અને સુશીલ ખાતુન હતા. મક્કાના મોટા માલદાર અને વેપારી ખાતુન તરીકે દૂર દૂર સુધી એમની કીર્તિ પ્રસરેલી હતી.તેઓ લોકોને પોતાનો માલ આપી તેમને વેપારમાં લગાડી દેતા. અને લોકો સાથે વેપારમાં ભાગીદારી પણ કરી લેતા.”
આ ઘટના એ બાબત તરફ નિર્દેશ કરે છે કે ઇસ્લામના પ્રથમ દરજ્જાના સ્ત્રી અને સમગ્ર મુસ્લિમ ઉન્મતની માં ગણાતા હઝરત ખદીજા મોટા વેપારી હતાં.તેમનો વેપાર દેશવિદેશમાં પ્રસરેલો હતો. આમ છતાં અત્યંત માન અને મર્યાદામા રહીને તેમણે પોતાનો વેપાર વિકસાવ્યો હતો. નોકરી તો માત્ર એક કાર્યાલય કે મર્યાદિત માનવ સમૂહ સુધી સીમિત હોય છે. જયારે વેપાર અનેક પ્રકારના માનવીઓ સાથેના વેપારીક સંબંધો પર આધરિત હોઈ છે. આમ છતાં હઝરત ખાદીજાએ એક મોટા વેપારી તરીકેની પોતાની ભૂમિકા બખૂબી નિભાવી હતી. મુસ્લિમ સ્ત્રીઓ માટે સ્ત્રી સ્વાતંત્ર અને સ્ત્રી વિકાસની આથી કઈ મોટી મિશાલ હોઈ શકે ?
એ જ રીતે કોઈ પણ મુસ્લિમ પોતાનો જન્મ દિવસ ઉજવી ન શકે. એવો ફતવો જયારે અખબારમાં વાચ્યો ત્યારે વર્ષોથી સમગ્ર વિશ્વના મુસ્લીમો દ્વારા ઉજવાતી ઈદ-એ-મિલાદની યાદ મારી સ્મૃતિમા તાજી થઈ ગઈ. ઈદ-એ-મિલાદ એટલે જન્મદિવસની ખુશી. હઝરત મોહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબના જન્મ દિવસની ઉજવણીને ઈદ-એ-મિલાદ કહે છે. ઈદ-એ-મીલાદને મોલુદ શરીફ કે બારાવફાત પણ કહે છે. અલબત મોહંમદ સાહેબના અવસાનના પાંચસો વર્ષ પછી આ પ્રથા આરંભાઈ હતી. ઈ.સ. ૧૨૦૭મા સૌથી પ્રથમવાર મોહંમદ સાહેબનો જન્મ દિવસ મોટા પાયા પર ઈરાકના અરબલ્લ નગરમાં ઉજવાયો હતો. પણ એ પૂર્વે હઝરત મોહંમદ સાહેબે પોતાના નવાસા હઝરત હુસેનના જન્મ દિનની ઉજવણી નિમિતે એક ઉંટની કુરબાની કર્યાનો પ્રસંગ હ્દીસોમાં નોંધ્યો છે. ત્યારે એક સહાબીએ કહ્યું હતું,
“ હુઝુરેપાક ,એક ઉંટની કુરબાનીથી બધાના ભોજનની વ્યવસ્થા કેવી રીતે થશે ?”
આપે ફરમાવ્યું ,
“ખુદા કરશે તો કોઈ ભૂખ્યું નહિ રહે”
અને માત્ર એક ઉંટના ભોજનમા અનેક સહાબીઓએ પેટ ભરીને ભોજન કર્યું અને છતાં ભોજન ખૂટ્યું ન હતું.
હદીસની આવી ઘટનાઓ ઉપરોક્ત ફ્તવાઓ સંદર્ભે આમ મુસ્લિમ સમાજમાં અનેક પ્રશ્નો સર્જે છે. કાશ આપણા આલિમો ફતવા સાથે કુરાન-એ-શરીફના સંદર્ભો, મોહંમદ સાહેબના જીવન દ્રષ્ટાંતો અને હદીસના આધારો આપવાનો આગ્રહ રાખશે તો આમ મુસ્લિમ પ્રજા ફતવાનો સાચો ઉદેશ પામી શકશે.

Mehboob Desai

Recent Posts

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…

4 years ago

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…

4 years ago

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…

4 years ago

મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…

4 years ago

દૂરદર્શન, અમદાવાદ :

“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો  ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…

4 years ago

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…

10 years ago