- February 3, 2013
- Posted by: Mehboob Desai
- Category: Uncategorized
ઇસ્લામમાં પ્રેમ અને મહોબ્બતને અત્યંત મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ને નિકાહનો પૈગામ મોકલનાર હઝરત ખદીજાએ પોતાના પ્રેમનો એકરાર અત્યંત તેહજિબ અને સુસંસ્કૃત માર્ગે કર્યો હતો. અને તેનો સ્વીકાર પણ મહંમદ સાહેબે આદર પૂર્વક કર્યો હતો. પ્રેમના એ વ્યવહારમાં કયાંય આછકલાઈ કે અવિવેક ન હતો. તેમાં માત્ર નિર્મળ અને પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ જ હતી. એટલે ઇસ્લામ પ્રેમ અને લાગણીઓને જીવન મહત્વનું સ્થાન આપે છે. પણ પ્રેમના દિવસની ઉજવણી કે અભિવ્યક્તિમાં ઇસ્લામના વિચારો ભિન્ન છે. પ્રેમની અભિવ્યક્તિમાં ઇસ્લામે સંયમ અને સંસ્કારોને વિશેષ મહત્વ આપ્યું છે. અને એટલે જ ઇસ્લામમાં વેલેન્ટાઈન ડેની ઉજવણીને કોઈ જ સ્થાન નથી. એ માટે ઇસ્લામની અત્યંત તાર્કિક દલીલો જાણવા જેવી છે. પણ એ પહેલા આપણે વેલેન્ટાઇન ડેની ઉજવણીનો ટૂંકો ઇતિહાસ જોઈએ. એ પછી ઇસ્લામમાં તેની ઉજવણીની શા માટે મનાઈ કરવામાં આવેલ છે તે તપાસીએ. વેલેન્ટાઇન ડેનો ટૂંકા ઇતિહાસ નીચે મુજબ છે.
૧૪મી ફેબ્રુઆરીને વિશ્વભરમાં પ્રેમીઓ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે. પણ પ્રેમના દિવસની ઉજવણી કરનાર યુવાનોને ભાગ્યે જ ખ્યાલ હશે કે જેના નામ પર તેઓ આ દિવસ ઉજવી રહ્યા છે તે સંત વેલેન્ટાઇનને કમર સુધી જમીનમાં દાટીને પથ્થર મારીને મારી નાખવામા આવ્યા હતા. પ્રાચીન રોમમાં ઇ.સ.૨૬૯માં ક્લોડિયસ દ્વિતિય નામે એક સમ્રાટ થઇ ગયો. તેને વિશ્વ વિજેતા થવાની અભિલાષા હતી. જેથી તે પોતાની સેનામાં યુવાનોની મોટાપાયે ભરતી કરવા ઇચ્છતો હતો. પણ તેણે જોયું કે પરણિત પુરૂષો લશ્કરમાં જોડાવા ઇચ્છતા નથી. એ માટે કુટુંબ અને પોતાની સુંદર યુવાન પત્ની પ્રત્યેનો પ્રેમ જવાબદાર હતા. પ્રેમનું આવું અતુટ બંધન યુવાનો તોડી શકતા ન હતા. તેથી તે સમ્રાટે પોતાના દેશમાં લગ્ન કરવા પર પ્રતિબંધ મુક્યો.
જગતમાં શાંતિનો સંદેશો આપનાર સંત વેલેન્ટાઇનનું હૃદય સમ્રાટના આ ક્રુર હુકમને કારણે દ્રવી ઉઠ્યું. અને તેમણે સમ્રાટની જાણ બહાર યુવાનોના લગ્ન ચર્ચમાં કરી આપવાનું શરૂ કર્યું હતું. સમ્રાટના કેટલાક ઇર્ષાળુ દરબારીઓએ સંત વેલેન્ટાઇનના આ કાર્યની સમ્રાટને માહિતી આપી દીધી હતી. પરિણામે રાજા ક્લોડિયસ દ્વિતિયએ સંત વેલેન્ટાઇનની ધરપડ કરી. તેને કમર સુધી માટીમાં દાટી, પથ્થરો મારી તેની હત્યા કરી. આમ તમામ યુવાન પ્રેમી હૈયાઓને લગ્નના સૂત્રથી બાંધનાર આ અત્યંત કૃપાળુ સંત વેલેન્ટાઇનની ૧૪મી ફેબ્રુઆરી ઇ.સ. ૨૬૯ના રોજ રાજા ક્લોડિયસ દ્વિતિયએ હત્યા કરી. તેનું મસ્તક ધડ પરથી કાપી લેવાયું. ત્યારથી આ સંતના માનમાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસને પ્રેમના પ્રતિક તરીકે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. આ ઘટમાં લગ્ન ન કરવાની રાજાની જાહેરાત સામે જંગ માંડનાર એક સંતની શહાદતની ગાથા વ્યક્ત થાય છે. આમ પ્રેમને સામજિક દરજ્જો આપવા વેલેન્ટાઇને લગ્ન દ્વારા પ્રેમીઓના ભેગા કરવાનું ઉમદા કાર્ય કર્યું હતું. પણ આજે આ મુખ્ય વાત વિસરાતી જાય છે. અને તેના સ્થાને લગ્ન સિવાયના પ્રેમ બંધનોની વાત વિસ્તરતી જાય છે. ઇસ્લામમા આવા સબંધો આવકાર્ય નથી. તેને ઇસ્લામે અવૈધિક સબંધો કહ્યા છે. પરિણામે તેવા કોઈ દિવસની ઉજવણીમા ઇસ્લામ દૂર રહેવાનો આદેશ આપે છે.
વળી, વેલેન્ટાઇન ડેએ પ્રાચીન રોમન યુગનો વિચાર છે. તેમાં એ યુગની રાજકીય અને સામાજિક જરૂરિયાત વ્યક્ત થાય છે. તેમાં હિંદુ કે ઇસ્લામિક સંસ્કારોની સુગંધ બિલકુલ જોવા મળતી નથી. ઇતિહાસના મધ્યકાળમાં ઇસ્લામિક યુગ દરમિયાન એ વિચાર તેની મૌલિકતા કે જરૂરિયાત ગુમાવી ચુક્યો હતો. અલ-અઝાર યુનિવર્સીટીના ઇસ્લામિક અને એરબીક વિભાગના પ્રોફેસર ડૉ. સુઆદ સાલીહએ આ અંગે આપેલી ઇસ્લામિક દલીલો જાણવા જેવી છે.
૧. ઇસ્લામમાં તહેવારોની ઉજવણીની પ્રથા સ્વીકારવામાં આવી છે. પણ તે સામાજિક અને ધાર્મિક સંદર્ભમાં. કુરાને શરીફમાં કહ્યું છે, “દરેક સમાજ માટે ખુદાએ ઉજવણીના દિવસો નક્કી કરેલ છે.” અલબત્ત એ ઉજવણી ઉદેશપૂર્ણ અને સમાજલક્ષી હોવા પર ઇસ્લામે ભાર મુક્યો છે.
૨. ઇસ્લામ મૂળભૂત રીતે પ્રેમ અને સહકારનો ધર્મ છે. પણ પ્રેમની અભિવ્યક્તિ માટે તેણે કોઈ દિવસ મુક્કર કરેલ નથી.
૨. ઇસ્લામ માને છે કે પ્રેમની અભિવ્યક્તિ કે ઉજવણી માટે કોઈ નિશ્ચિત દિવસ અનિવાર્ય નથી. તે તો જીવનનો એક અનિવાર્ય ભાગ છે. એટલે તેની અભિવ્યક્તિ દર પળે થતી રહે છે. ભાઈ-બહેન કે પતિ પત્નીના પ્રેમને વ્યક્ત કરવા કોઈ દિવસની મોહતાજ ગીરી જરૂરી નથી.
૩.ઇસ્લામ સ્ત્રી-પુરુષ વચ્ચેના વિજાતીય પ્રેમને જ માનતો નથી. માતા-પુત્ર, પિતા-પુત્ર,ભાઈ-બહેન જેવા માનવીય સંબંધો વચ્ચેના પ્રેમ પ્રત્યે પણ ઇસ્લામ અતુટ શ્રધ્ધા ધરાવે છે. એટલે માત્ર વિજાતીય પ્રેમના દિવસની ઉજવણી જેવા સંકુચિત દિવસની ઉજવણી સમાજ માટે યોગ્ય નથી.
૪. પતિ-પત્નીના પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કોઈ દિવસ હોય ન શકે. એ તો અવિરત પ્રક્રિયા છે.તે તો દરેક પળે, દરેક પ્રસંગે વ્યક્ત થતી રહે છે.
૫. પ્રેમ માત્ર શરીર સુખ કે શારીરિક જરૂરિયાત સંતોષવા માટે નથી. પ્રેમ એ પવિત્ર બંધન છે. તેમાં જવાબદારીની સભાનતા અનિવાર્ય છે. ઇસ્લામમાં આ જ ભાવનાને નિયમોના બંધનમાં સ્વીકારવામાં આવેલ છે.
ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ પણ આ જ બાબત તરફ આપણું ધ્યાન દોરે છે. પ્રેમ એ અમૃત છે. જીવનમાં તે અનિવાર્ય છે. પણ સંયમ અને સંસ્કારો વગરનો પ્રેમ વ્યભિચાર બની જાય છે. વેલેન્ટાઇન ડેના દિવસે આપણે પ્રેમની સાચી પરિભાષા સમજીએ અને તેનો સંયમિત અને સંસ્કાર પૂર્ણ અમલ કરીએ એ જ અભ્યર્થના-આમીન
3 Comments
Comments are closed.
sir, very good and heart touching artical
Dharmendra Pathak
Bhavnagar
Mobile No 9979036907
[…] http://mehboobudesai.wordpress.com/2013/02/03/%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE… […]
તમારી તટસ્થ વિચારધારા ગમી …. તાર્કિક સંકલન-અનુસંધાન-બોધ સરાહનીય છે … આભાર ….