Categories: Uncategorized

ઇસ્લામ અને મેનેજમેન્ટ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામ સાથેનો મેનેજમેન્ટ અર્થાત વ્યવસ્થા-સંચાલનનો સબંધ સ્થાપિત કરતા અનેક શોધપત્રો લખાયા છે, અને લખતા રહેશે. કારણ કે ઇસ્લામના પાયાના ગ્રંથ “કુરાન-એ-શરીફ”નો ઊંડાણથી અભ્યાસ કરતા માલુમ પડે છે કે તે માત્ર ધાર્મિક ગ્રંથ નથી. તેમાં ધર્મ સાથે સામાજિક, રાજકીય, આર્થિક અને વ્યવસાયિક નિયમો પણ આલેખવામાં આવ્યા છે. જેમ કે સામજિક દ્રષ્ટિએ નિકાહ,તલાક, સ્ત્રી-પુરુષના સ્થાન અને સ્ત્રી-પુરુષ વચ્ચે વારસાની વહેચણી અંગેના નિયમો કુરાન-એ-શરીફમાં સવિસ્તર આપવામાં આવે છે. એ જ રીતે વ્યવસાયને લગતા નિયમો જેવાકે તોલમાપ,માલની ગુણવત્તા,વેપાર અને વ્યાજ અંગેના નિયમો પણ તેમાં જોવા મળે છે. શિક્ષણ, તાલીમ,વ્યક્તિત્વ વિકાસ, શાસકધર્મ અંગેનું માર્ગદર્શન પણ તેમાં આપવામાં આવ્યું છે. જીવન વ્યવહાર અર્થાત કેમ જમવું , કેવા વસ્ત્રો પહેરવા, કોઈને મળવા તેના ઘરે કયા સમયે જવું અને ઘરમાં પ્રવેશતા પૂર્વે દરવાજે દસ્તક દેવા જેવા માનવીય આદેશો કુરાને શરીફમાં મોજુદ છે. ટૂંકમાં “કુરાન-એ-શરીફ”એ માત્ર ધર્મગ્રંથ ન રહેતા મૂલ્યનિષ્ઠ જીવન તરફ નિર્દેશ કરતો માનવીય ગ્રંથ વિશેષ છે. અને એટલે જ મેનેજમેન્ટ અર્થાત વ્યવસ્થા-સંચાલનના તજજ્ઞો તેમાં મેનેજમેન્ટના આદર્શ સિદ્ધાંતો જોવે છે. જો કે એ માટે સૌ પ્રથમ ઇસ્લામને ધર્મ કરતા એક વૈશ્વિક સંસ્થા તરીકે સ્થાપિત કરવો જરૂરી છે. અલબત તેનો ઉકેલ પણ કુરાન-એ-શરીફની એક આયાતમાં આપવામાં આવ્યો છે. “કુરાન-એ-શરીફ”માં વારંવાર “રબ્બીલ આલમીન” અર્થાત “સમગ્ર માનવ જાતના ખુદા” કહેવામાં આવ્યું છે.
“રબ્બીલ મુસ્લિમ” અર્થાત “માત્ર મુસ્લિમોના ખુદા” જેવા સંકુચિત શબ્દનો પ્રયોગ કયાંય કરવામાં આવ્યો નથી. એ બાબત જ ઇસ્લામને સમગ્ર માનવજાત સાથે જોડે છે. અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા તરીકે સ્થાપિત કરે છે.

અલબત ઇસ્લામને વૈશ્વિક સંસ્થા-સંગઠન તરીકે સ્થાપિત કરવા માત્ર આ દલીલ મેનેજમેન્ટના નિષ્ણાતો માટે પુરતી નથી. મેનેજમેન્ટના પારિભાષિક શબ્દોમાં સંસ્થા-સંગઠનને ઓર્ગેનાઈઝેશન કહેલ છે. અને તેની અનેક તજજ્ઞોએ જુદી જુદી વ્યાખ્યાઓ પણ આપી છે. સૌ પ્રથમ એવી કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. અને પછી ઇસ્લામને એ વ્યાખ્યામાં એક સંસ્થા-સંગઠન તરીકે મૂકી શકાય કે નહિ તે તપાસીએ. મેનેજમેન્ટના વિદ્વાન સ્ટોનર અને ફ્રીમેન ઓર્ગેનાઈઝેશન-સંસ્થાની વ્યાખ્યા આપતા લખે છે,
“બે કે તેથી વધુ વ્યક્તિઓનો સમૂહ સંગઠિત થઈ બંધારણીય માર્ગે નિશ્ચિત ઉદેશની પ્રાપ્તિ અર્થે પ્રયાસ કરે તેને સંસ્થા કહેવામા આવે છે.”
અન્ય એ વિદ્વાન રીચાર્ડ ડ્રાફ્ટ સંસ્થાની વ્યાખ્યા આપતા કહે છે,
“એક એવો માનવા સમૂહ જે સર્વ સામાન્ય ઉદેશની પ્રપ્તિ માટે સંગઠિત થઈ કાર્ય કરે છે”
એ જ રીતે મોરહેડ અને ગીફીન લખે છે,
“એવો માનવા સમૂહ જે એવા પ્રશ્નનો સંગઠિત થઇ જવાબ આપે છે જેમાં પૂછવામાં આવે છે “આપણે શું કાર્ય કરીએ છીએ ?”

આજે વિશ્વની ૧.૫. બિલિયન પ્રજા ઇસ્લામને અનુસરે છે. તેના જીવન આદર્શોને પામવા પ્રયાસ કરે છે. ઇસ્લામના નિયમો અને આચાર સંહિતાનો અમલ કરે છે. ઇસ્લામના મઝહબી આર્થાત ધાર્મિક નિયમો સાથે તેના વ્યવસાયિક અને આર્થિક, સામાજિક બંધારણ મુજબ પોતાનો જીવન વ્યવહાર કરે છે. જેમ કે આજે વિશ્વના અનેક દેશોમાં ઇસ્લામી બેંકો કાર્યરત છે. જેમાં વ્યાજ લેવામાં કે આપવામાં આવતું નથી. આ ઉપરાંત સમાજના આર્થિક વિકાસને પામવા સમાન સમાજ રચનાનો આદર્શ પણ ઇસ્લામની દેન છે. ઇસ્લામમાં ઊંચ-નીચ, અમીર-ગરીબ જેવા ભેદો નથી. એટલે તેને નિવારવા ઝકાત- ખેરાતના સિધ્ધાંતનો ફરજીયાત અમલ કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. આવી તમામ બાબતો ઇસ્લામને વૈશ્વિક સંસ્થા-સંગઠન તરીકે સ્થાપિત કરવા પુરતી છે. અને એટલે જ ઇસ્લામ માટે મોટેભાગે મઝહબ કરતા “દીન” શબ્દ વપરાય છે. “દીન” એટલે માત્ર ધર્મ કે પંથ નહિ, પણ વિશ્વાસ, ઈમાન કે શ્રધ્ધા. આમ વિશ્વનો એક મોટો માનવા સમૂહ ઇસ્લામના સંસ્થાગત નિયમો-આચાર સંહિતાને સંગઠિત થઇ અનુસરે છે. અને તે દ્વારા એક નિશ્ચિત જીવન ઉદેશને પામવાનો પ્રયાસ કરે છે.

ઇસ્લામની સંસ્થાગત દરજ્જાની પ્રાપ્તિ સાથે જ તેના મેનેજમેન્ટ અંગેના અભિગમનો આરંભ થાય છે.તત્કાલીન મેનેજમેન્ટની સર્વ સામાન્ય વ્યાખ્યા આપતા કહી શકાય કે,
“Manage your men tactfully that is Management”
અર્થાત “માનવ શક્તિનો યુક્તિ પૂર્વક ઉપયોગ કરવાનું કાર્ય એટલે મેનેજમેન્ટ” એક અન્ય વ્યાખ્યામા પણ માનવ શક્તિના ઉપયોગ તરફ ઈશારો કરતા કહેવામાં આવ્યું છે.
“Management means Getting things done, through others”
અર્થાત “અન્ય પાસેથી કાર્ય લેવાની કળા એટલે મેનેજમેન્ટ”
કુરાને શરીફની અલ ઝકહરાફ સુરમાં કહ્યું છે,
“અમે કેટલાકને અન્ય કરતા વધારે બુદ્ધિમત્તા આપી છે. જેથી તેઓ અન્ય પાસેથી કાર્ય લઇ શકે”
આજથી સાડા ચૌદ સો વર્ષ પૂર્વે મેનેજમેન્ટની આધુનિક વ્યાખ્યાઓ સાથે સુસંગત વ્યાખ્યા
કુરાન-એ શરીફમા આપવામાં આવી છે. એ બાબત દર્શાવે છે કે કુરાન-એ-શરીફની આયાતોમાં મેનેજમેન્ટના આધુનિક સિદ્ધાંતો છુપાયેલા પડ્યા છે. જેમાં પ્લાનીગ, લીડરશીપ, માનવા સંસાધન વિકાસ,સમય આયોજન (ટાઈમ મેનેજમેન્ટ) ઉત્પાદન, જ્ઞાન અને ડહાપણ (નોલેજ અને વિઝડમ),ભાગીદારી,જવાબદારી, ભરતી અને તાલીમ, વ્યક્તિત્વ વિકાસ જેવા મેનેજમેન્ટના અનેક પાસાઓ પર પ્રકાશ પાથરવામાં આવ્યો છે. અલબત તેના માટે કુરાને શરીફ અને હદીસોનું ઊંડાણ પૂર્વક સંશોધનની જરૂર છે.

Mehboob Desai

Recent Posts

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…

4 years ago

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…

4 years ago

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…

4 years ago

મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…

4 years ago

દૂરદર્શન, અમદાવાદ :

“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો  ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…

4 years ago

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…

10 years ago